ઓપરેશન સિંદૂર અંગે આર્મી ચીફે આપ્યું મહત્ત્વનું નિવેદન, રશિયા-યુક્રેન યુદ્ધ 10 દિવસમાં પૂરું થવાની હતી અપેક્ષા પણ… | મુંબઈ સમાચાર
નેશનલ

ઓપરેશન સિંદૂર અંગે આર્મી ચીફે આપ્યું મહત્ત્વનું નિવેદન, રશિયા-યુક્રેન યુદ્ધ 10 દિવસમાં પૂરું થવાની હતી અપેક્ષા પણ…

નવી દિલ્હીઃ ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતુ. તેમણે યુદ્ધની અનિશ્ચિતતા અને ઓછી કિંમતની હાઈ-ટેકનોલોજીના હથિયારોની શક્તિ પર ભાર મૂક્યો. આ ઉપરાંત, ઈસરોના ચેરમેન વી. નારાયણને ઓપરેશન દરમિયાન સેટેલાઈટ્સની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ નિવેદનો ભારતની આતંકવાદ વિરુદ્ધની રણનીતિને મજબૂત કરવાના સંદર્ભમાં આવ્યા છે, જે યુદ્ધની તૈયારી અને ટેકનોલોજીના ઉપયોગ પર પ્રકાશ ફેંકે છે.

ઓપરેશન સિંદૂર’ પણ અનિશ્ચિતતા સાથે ચાલ્યું

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ની શરૂઆતમાં તેની અવધિ વિશે કોઈ નિશ્ચિતતા નહોતી. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે તે 10 દિવસમાં સમાપ્ત થશે, પરંતુ ઈરાન-ઈરાક યુદ્ધ 10 વર્ષ ચાલ્યું. ‘ઓપરેશન સિંદૂર’ પણ આવી અનિશ્ચિતતા સાથે ચાલ્યું, અને ઘણા લોકોએ તેને ચાર દિવસની ટેસ્ટ મેચની જેમ ઝડપથી પૂરું થયું હોવાનું કહ્યું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધ હંમેશા અનિશ્ચિત હોય છે, અને તેની તૈયારી માટે પૂરતા સંસાધનો હોવા જરૂરી છે.

દુશ્મનની ટેકનોલોજી અને યુદ્ધની તૈયારી સમજવી જોઈએ

જનરલ દ્વિવેદીએ યુદ્ધમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું, “દુશ્મન પર કઈ ચીજની માનસિક અસર થશે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં શક્તિનું આકલન ખોટું નીકળ્યું હતું. આપણે દુશ્મનની ટેકનોલોજી અને લાંબા યુદ્ધની તૈયારી સમજવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે ઓછી કિંમતના, હાઈ-ટેક હથિયારો ‘ડેવિડ વિરુદ્ધ ગોલિયાથ’ જેવી લડાઈમાં પણ મોટો ફાયદો આપે છે. આવી ટેકનોલોજીથી નાની શક્તિ પણ મજબૂત દુશ્મનને હરાવી શકે છે.

સેનાના હુમલા વધુ સચોટ હતા

ઈસરોના ચેરમેન વી. નારાયણને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સેટેલાઈટ્સના યોગદાનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું, “આ ઓપરેશન દરમિયાન અમારી સેટેલાઈટ્સે 24/7 કામ કરીને રિયલ-ટાઈમ ઈન્ટેલિજન્સ અને નિરીક્ષણમાં મદદ કરી.” આ સહાયથી સેનાના હુમલા વધુ સચોટ અને અસરકારક રહ્યા. આ નિવેદનો ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ટેકનોલોજીના મહત્વને દર્શાવે છે, જે ભવિષ્યની રણનીતિઓ માટે નવો દૃષ્ટિકોણ આપે છે.

‘ડેવિડ વિરુદ્ધ ગોલિયાથ’ની કથા

‘ડેવિડ વિરુદ્ધ ગોલિયાથ’ની કથા બાઈબલના શમુએલ પુસ્તકમાંથી આવે છે. ફિલિસ્તીનોનો વિશાળ યોદ્ધો ગોલિયાથ યહૂદીઓના રાજા શાઉલની સેનાને યુદ્ધની ચૂનોતી આપે છે. કોઈ તેનો સામનો કરવા તૈયાર નથી, પરંતુ યુવા ગોવાળ ડેવિડ, ઈશ્વર પર ભરોસો રાખીને, ફક્ત ગલેલ અને પથ્થર સાથે ગોલિયાથનો સામનો કરે છે. તે ગોલિયાથના કપાળે પથ્થર મારીને તેને હરાવે છે, અને યહૂદીઓ વિજય મેળવે છે. આ કથા નાની શક્તિની મોટા પ્રતિસ્પર્ધી પર અણધારી જીતનું પ્રતીક છે.

આપણ વાંચો:  ‘…તો પરિણામ સારું નહીં આવે’ ટ્રમ્પના વેપાર સલાહકારે ભારતને આવી ધમકી કેમ આપી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button