આર્મી ચીફે ‘ઓપરેશન સિંદૂર’ને શતરંજની રમત ગણાવી, અનેક રહસ્યો ઉજાગર કર્યા, જાણો શું કહ્યું?

ચેન્નઈ: પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો હતો. જોકે, ત્રણ દિવસમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો હતો. ત્યારબાદ ભારતીય સેના અને રક્ષા મંત્રાલય દ્વારા ‘ઑપરેશન સિંદૂર’ અંગે અવનવા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. જોકે, હવે ‘ઑપરેશન સિંદૂર’ના ચાર મહિના બાદ તાજેતરમાં ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ‘ઑપરેશન સિંદૂર’ના અનેક રહસ્યો ઉજાગર કર્યા છે.
‘ઑપરેશન સિંદૂર’માં સૈન્ય કાર્યવાહી માટે છૂટ મળી
તાજેતરમાં IIT મદ્રાસ ખાતે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ઓપરેશન સિંદૂરની કેટલીક અજાણી અને ખાસ બાબતો જણાવી હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ‘ઑપરેશન સિંદૂર’ને “શતરંજની રમત” સાથે સરખાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના બાદ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સાથે 23 એપ્રિલે એક બેઠક યોજાઈ હતી.”બસ બહુ થયું, તમે નક્કી કરો કે શું કરવું” કહીને તેમણે સૈન્યને કાર્યવાહી માટે સંપૂર્ણ છૂટ આપી હતી.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આગળ જણાવ્યું કે, “ત્રણેય સેનાના વડાઓ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર હતા. રાજકીય નેતૃત્વ તરફથી અમને અભૂતપૂર્વ વિશ્વાસ અને સ્વતંત્રતા મળી હતી. તેથી સૈનિકોનું મનોબળ વધ્યું અને અમે પોતાની સમજ મુજબ કામ કરી શક્યા. ઑપરેશનનું મૂળ નામ પહેલા ‘ઑપરેશન સિંધૂ’ રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેને બદલીને ‘ઑપરેશન સિંદૂર’ કરવામાં આવ્યું હતું. કારણ કે આ નામ સમગ્ર દેશને પ્રેરણા આપતું તથા જોડનારૂં હતું.”
શતરંજની રમત જેવું હતું ‘ઑપરેશન સિંદૂર’
‘ઑપરેશન સિંદૂર’ વિશે વધુ માહિતી આપતા ભારતીય સેનાના વડાએ જણાવ્યું કે, “‘ઑપરેશન સિંદૂર’ અમારા માટે શતરંજની રમતની રમત જેવું હતું. જ્યાં દુશ્મનની આગામી ચાલની અપેક્ષા રાખવામાં આવતી હતી અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવતી હતી. 25 એપ્રિલે, ઉત્તરી કમાન્ડની મુલાકાત લીધા બાદ, નવમાંથી સાત લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા અને તેમને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા. આ ઓપરેશનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.”
પાકિસ્તાનમાં આ ઓપરેશનની ઉજવણી અંગેના એક પ્રશ્નના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે જો કોઈ પાકિસ્તાનીને પૂછવામાં આવે કે તેઓ જીત્યા કે હાર્યા, તો તે કહેશે કે તેમનો કમાન્ડર “ફિલ્ડ માર્શલ” બની ગયો છે અને તે જીતની નિશાની છે.
ઉલ્લેખનીય છે કે, સંસદમાં ‘ઑપરેશન સિંદૂર’ અંગેેની ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર સેનાને પૂરતી છૂટ સાથે કામ ન કરવા દેવાના આક્ષેપો કર્યા હતા. આર્મી ચીફનું આ સંબોધન એક રીતે રાહુલ ગાંધી માટે જવાબ સમાન છે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના આટલા ફાઈટર જેટ તોડી પડાયા; એર ચીફ માર્શલનો ખુલાસો!