વાહનને અચાનક બ્રેક લગાવવી એ ગંભીર બેદરકારી; સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું? | મુંબઈ સમાચાર

વાહનને અચાનક બ્રેક લગાવવી એ ગંભીર બેદરકારી; સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

નવી દિલ્હી: વાહન ચાલકોની બેદરકારીને કારણે ભારતના હાઈવે પર દર વર્ષે હજારો નિર્દોષ લોકો જીવ ગુમાવે અથવા ઘાયલ થાય છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન હાઈવે પર અચાનક બ્રેક લગાવવાને ગંભીર બેદરકારી ગણાવી. અદાલતે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને વધુ વળતર આપવા માટે વીમા કંપનીઓને આદેશ આપ્યો.

વર્ષ 2013 માં તમિલનાડુના 20 વર્ષીય એન્જિનિયરિંગના વિદ્યાર્થી એસ મોહમ્મદ હક્કીમનો કોઈમ્બતુરમાં માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ઈજા થતાં તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો. હક્કિમ મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો, ત્યારે તેની આગળની જઈ રહેલી કારે કોઈ સંકેત વગર અચાનક અચાનક બ્રેક લગાવી. હક્કીમનું મોટરસાઇકલ કાર પાછળ અથડાયું અને તે રસ્તા પર પટકાયો. પાછળથી આવતી એક બસ નીચે તેનો પગ કચડાઈ ગયો, જેના કારણે તેનો પગ કાપવો પડ્યો. અકસ્માત સમયે, હક્કિમ એન્જિનિયરિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

કોની કેટલી ભૂલ?
મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT) એ પહેલા મોહમ્મદ હક્કીમને રૂ.91.62 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ યુવકને અકસ્માત માટે 20% દોષિત ઠેરવવામાં આવ્યો અને વળતર રકમ ઘટાડીને રૂ.73.29 લાખ કરવામાં આવી, જેની સામે મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી.

હાઈ કોર્ટે કાર ડ્રાઈવરને 40%, બસ ડ્રાઈવરને 30% અને મોહમ્મદ હક્કીમને 30% દોષિત ઠેરવ્યો હતો અને વળતર ઘટાડીને રૂ.58.53 લાખ કરવામાં આવ્યું. મોહમ્મદ હક્કીમ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કાર ડ્રાઈવરને 50% અને બસ ડ્રાઈવરને 30% દોષિત ઠેરવ્યા, આ સાથે યુવકની ભૂલ 30% થી ઘટાડીને 20% કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે યુવકને 91,39,253 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે કહ્યું કે કાર ડ્રાઈવર દ્વારા અચાનક બ્રેક મારવી એ અકસ્માતનું મુખ્ય કારણ હતું. બેન્ચે કહ્યું કે હાઇવે પર વાહનો ખૂબ સ્પીડથી દોડે છે. જો કોઈ વાહનચાલકે અચાનક બ્રેક લગાવે એ પહેલા પાછળના વાહનો માટે ચેતવણી આપવી જોઈએ. આ કેસમાં, કાર ચાલકે કોઈ ચેતવણી આપી ન હતી, જથી તેનો દોષ વધુ છે. પીડિત પણ 20% દોષિત છે કારણ કે તેણે સેફ ડીસ્ટન્સ જાળવ્યું ન હતું અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું.

આપણ વાંચો:  ‘ભારત પાકિસ્તાનથી ઓઈલ ખરીદશે’ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરી ભારતને વધુ એક ઝટકો આપ્યો

બેન્ચે કહ્યું કે માન્ય લાઇસન્સ વગર મોટરસાઇકલ ચલાવવી અયોગ્ય છે. પણ એ વાતને અવગણી શકાય નહીં કે અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલક દ્વારા અચાનક બ્રેક લગાવવી છે. હાઇવેની વચ્ચે અચાનક કાર રોકવા બદલ કાર ચાલકે જે દલીલો આપી છે તે કોઈપણ દ્રષ્ટિકોણથી વાજબી નથી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button