2027માં ભાજપ ફરી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતશે: મુલાયમ સિંહની પુત્રવધૂ અપર્ણા યાદવનો મોટો દાવો…

અમેઠી: બિહારની ચૂંટણી પછી હવે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની આવવાની છે. હજુ સુધી કોઈ પાર્ટીએ ચૂંટણીલક્ષી પ્રચાર શરૂ કર્યો નથી, પરંતુ આગામી દિવસોમાં નેતાઓ હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીલક્ષી પ્રચાર શરૂ કરશે એવું લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા પંચના ઉપાધ્યક્ષ અને સમાજવાદી પાર્ટીનાં સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટો દાવો કર્યો છે. અપર્ણા યાદવે કહ્યું છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં યુપીમાં ફરી એક વખત કમળ ખીલશે. આ દાવાને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
2027માં ઉત્તર પ્રદેશમાં ફરી કમળ ખીલશે
સતત બે ટર્મથી ઉત્તર પ્રદેશમાં ભાજપને બહુમતી મળી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ પોતાની આ જીત કાયમ રાખવાનો પ્રયત્ન કરશે, એવું લાગી રહ્યું છે. શનિવારે અમેઠી ખાતે યોજાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ એકતા યાત્રામાં અપર્ણા યાદવે હાજરી આપી હતી. ત્યારે મીડિયાએ તેઓને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના “પીડીએ” (પછાત, દલિત અને લઘુમતી ગઠબંધન)ના સૂત્ર વિશે સવાલ પૂછ્યો હતો.
જેના જવાબમાં ભાજપ નેતા અપર્ણા યાદવે મીડિયાને જણાવ્યું હતું કે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે, 2027માં ઉત્તર પ્રદેશમાં ફરી કમળ ખીલશે અને ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. તેણે આગળ ભારપૂર્વક જણાવ્યું કે કમળ ફક્ત ઉત્તર પ્રદેશમાં જ નહીં, પરંતુ ભારતમાં જ્યાં પણ ચૂંટણી યોજાશે ત્યાં ખીલશે. અપર્ણા યાદવે ઉમેર્યું કે અમારા ઇરાદા સ્પષ્ટ છે, અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર વર્ષમાં 365 દિવસ જનતા અને ભારત માટે કામ કરે છે. અમે અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવીશું.
બિહારમાં NDAની જીતને વિકાસની જીત ગણાવી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત અંગે અપર્ણા યાદવે કહ્યું કે બિહારના લોકોએ ‘મહાગઠબંધન’ને જોરદાર પ્રતિસાદ આપ્યો છે. જનતા વિકાસ ઇચ્છે છે અને તેથી જ તેમણે વિકાસ માટે NDAને પસંદ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અપર્ણા યાદવ મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની સાધનાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે. તેઓ વર્ષ 2022માં સમાજવાદી પાર્ટી (SP) છોડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા અને ત્યારથી તેઓ ભાજપમાં સક્રિય છે.
આ પણ વાંચો…રાહુલ ગાંધીનો આક્ષેપ, SIR કોઈ સુધાર નથી પરંતુ લાદવામાં આવેલો જુલમ



