દિલ્હીમાં કૂતરા, મુંબઈમાં કબૂતર: પશુ અધિકારો VS જાહેર સુરક્ષા, કોર્ટના આદેશોથી કેમ ઊભી થઈ ‘બબાલ’?

નવી દિલ્હી/મુંબઈઃ દેશની રાજધાની દિલ્હીમાં કૂતરાને કારણે વિવાદ સર્જાયો હતો, જ્યારે આર્થિક પાટનગરમાં કબૂતરને ચણ ખવડાવવા મુદ્દે વિવાદ જાગ્યો છે. આ મુદ્દે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ તમામ કૂતરાને પકડવાનું ફરમાન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિવાદ ઊભો થયો હતો આ વિવાદ હજી સુધી પૂરો થયો નથી એટલામાં બોમ્બે હાઈ કોર્ટે કબૂતરોને ચણ નાખવા મુ્દે પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશ બાદ પશુ અધિકારોને લઈ મુંબઈમાં પણ વિરોધના વંટોળ છવાયા છે. બંને રાજ્યમાં પશુ અધિકાર કાર્યકર્તાઓ સક્રિય થયા છે. આ વિવાદ માત્ર પશુ કલ્યાણ જ નહીં, પરંતુ જાહેર સુરક્ષા અને ધાર્મિક માન્યતાઓને પણ સ્પર્શે છે.
સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆરને શેરી કૂતરાઓથી મુક્ત કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. કોર્ટે તમામ આવારા કૂતરાઓને તાત્કાલિક પકડીને ડોગ શેલ્ટર હોમમાં ખસેડવાના આદેશ આપ્યા છે તેમ જ તેમની નસબંધી અને વેક્સિનેશન કરવાનું પણ કહ્યું છે. કૂતરા પકડવામાં અડચણો ઊભી કરનારાઓ વિરુદ્ધ અદાલત અવમાનની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. આ નિર્ણય બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તો બીજી તરફ, મુંબઈમાં બોમ્બે હાઈ કોર્ટે કબૂતરોને દાણા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમની મળમાંથી શ્વસન સંબંધી બીમારીઓ ફેલાય છે. બીએમસીએ પણ કોર્ટના આદેશ પર અનેક કબૂતરઘરો બંધ કરી દીધા છે અને દાણા આપનારાઓ પાસેથી દંડ પણ વસૂલ્યો છે.
આ પણ વાંચો: Pitbull Attack: Delhiમાં 7વર્ષની બાળકી પર હુમલા બાદ નોંધાઈ ફરિયાદ
મુંબઈમાં કબૂતર વિવાદ
મુંબઈમાં કબૂતરોને દાણા આપવાનો વિવાદ હવે ધાર્મિક અને સામાજિક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. જૈન સમુદાય અને અન્ય પક્ષી પ્રેમીઓ આ પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે કબૂતરોને દાણા આપવું તેમના ધર્મનો ભાગ છે અને આ નિર્ણય નિર્દોષ પક્ષીઓ સાથે અન્યાય છે. જૈન મુનિ નીલેશ ચંદ્ર વિજયે ચેતવણી આપી છે કે જરૂર પડ્યે તેઓ ભૂખ હડતાળ કરશે અને હથિયાર પણ ઉઠાવશે. તેઓ કહે છે કે અમુક લોકો બકરાની બલિ આપે છે તે તેમનો ધર્મ છે, તો અમને અમારા ધર્મનું પાલન કરવા દો. લોકો દારૂ અને ડ્રગ્સથી મરે છે તેની કોઈને ચિંતા નથી. જૈન ધર્મમાં કીડીથી લઈને હાથી સુધીની તમામ પ્રાણીઓની રક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કબૂતરખાનાઓને સુપ્રીમ કોર્ટમાં રક્ષણ નહીં: સરકાર હવે શું કરશે? ફડણવીસે કબૂતરોના રક્ષણની યોજના જાહેર કરી
જ્યારે બીજી બાજુ દિલ્હીમાં શેરી કૂતરાઓનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે, કારણ કે કૂતરાઓના કરડવાની અને હુમલાની ઘટનાઓ વધી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે તમામ શેરી કૂતરાને શેલ્ડર હોમમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણયનો વિરોધ કરતા પશુ અધિકાર કાર્યકર્તાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનેકા ગાંધીએ તેને અવ્યવહારુ ગણાવ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટ પર ગંભીર સવાલો પણ ઊભા કર્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે શેલ્ટર, નસબંધી, વેક્સિનેશન અને સમુદાય સંભાળ દ્વારા સડકોને સુરક્ષિત બનાવી શકાય છે, પરંતુ સામૂહિક રીતે કૂતરાઓને હટાવવું ક્રૂર અને અદૂરદર્શી છે. પશુ અધિકાર વકીલ સિદ્ધાર્થ લુથરા અને કાર્યકર્તા એશર જેસુદોસે કહ્યું છે કે આ આદેશ પશુ કલ્યાણ બોર્ડના નિયમો અને અહિંસાની વિરુદ્ધ છે. તેઓ માને છે કે આને અમલમાં મૂકવામાં મોટી મુશ્કેલીઓ આવશે અને તે પશુઓ પર ક્રૂરતા વધારશે.