… અને શિવરાજ સિંહ ચૌહાણના પ્રસ્તાવથી ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યા!

એવું કહેવાય છે કે સમય સૌથી બળવાન હોય છે અને ગઈકાલે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનની પસંદગી વખતે એ વાત સ્પષ્ટ પણ થઈ ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે મધ્ય પ્રદેશને મુખ્ય પ્રધાન તરીકે એક નવો ચહેરો મળ્યો નામે મોહન યાદવ. ગઈકાલે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શિવરાજ સિંહ ચૌહાણે જ્યારે મુખ્ય પ્રધાન તરીકે મોહન યાદવના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે ભાજપના નેતાઓ ખુદ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું હતો આખો ઘટનાક્રમ.
વાત જાણે એમ છે કે સોમવારે ભોપાળમાં નવનિર્વાચિત વિધાયક દળના નેતાની પસંદગી કરવા માટે બેઠળ યોજાઈ હતી અને ત્યાર બાદ ભાજપની ઓફિસમાં એક ફોટોસેશન પણ કરવામાં આવ્યું હતું. આ ફોટો સેશનનો જ એક ફોટો સોશિલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે અને જ્યારે આ ફોટોને તમે ધ્યાનથી જોશો તો મને ખ્યાલમાં આવશે કે ફોટોમાં પહેલી હરોળમાં ભાજપના અગ્રણી નેતાઓ બેઠા છે જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ, પ્રહલાદ સિંહ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. પહેલી અને બીજી હરોળને બાદ કરીએ તો ત્રીજી હરોળમાં ડાબી બાજું સૌથી છેલ્લે ડો. મોહન યાદવ બેઠેલા જોવા મળ્યા હતા.
આ ફોટો બાદ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ફોટોસેશનમાં સૌથી છેલ્લી હરોળમાં પણ સીએમ બનવાની રેસમાં સૌથી આગળ ડો. મોહન યાદવ આગળ નીકળી ગયા. ભાજપ દ્વારા ડો. મોહન યાદવને મુખ્ય પ્રદેશના સીએમ તરીકે પસંદ કર્યા છે અને આ જાહેરાત જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી ત્યારે હાજર ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે ડો. મોહન યાદવે ખુદ પોતાના ફેસબુક હેન્ડલ પર પણ આ ફોટો શેર કર્યો હતો. આમ ફોટોસેશનમાં સૌથી પાછળ બેસેલા યાદવ સીએમ બનવાની રેસમાં બધાને પાછળ છોડીને આગળ નીકળી ગયા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર એકદમ જોરશોરથી ચાલી રહી છે.