નેશનલ

અમૃતસર જામનગર એક્સપ્રેસવેની બિસ્માર હાલતનો વીડિયો વાયરલ: ગડકરીની મોટી કાર્યવાહી

NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર કરાયા સસ્પેન્ડ

અમદાવાદ/નવી દિલ્હી: આજના સમયમાં કોઈપણ વાત સરકાર સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક શ્રેષ્ઠ માધ્યમ છે. સરકારના પ્રધાન અથવા મંત્રાલયને ટેગ કરીને જણાવવામાં આવેલી બાબત પર તાત્કાલિક પગલાં લેવાય છે. તાજેતરમાં આ વાતનું ઉદાહરણ સામે આવ્યું છે. ગુજરાતમાં અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની ખરાબ હાલતનો વીડિયો વાયરલ થયા બાદ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના ખસ્તાહાલ

અમૃતસર-જામનગર એક્સપ્રેસવેને ઇકોનોમિક કોરિડોર (NH-754) તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં તે કુલ લંબાઈ 130 કિમી ધરાવે છે. પરંતુ છ લેનના આ એક્સપ્રેસ વેના સાંચોર-સાંતલપુર સેક્શનમાં કેટલીક જગ્યાએ ફૂટપાથની હાલત બહું ખરાબ હતી. જેનો કેટલાક જાગૃત નાગરિકોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયોને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ધ્યાને લીધો હતો.

અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરના ગુજરાતના વિસ્તારના 10 પેચમાં ફૂટપાથની ખરાબ સ્થિતિની માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને ફરિયાદો મળી હતી. તપાસ દરમિયાન આ સ્થિતિ ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની કાર્યવાહી

એક્સપ્રેસવેના ખસ્તાહાલને લઈને કાર્યવાહીના ભાગરૂપે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)ના પાલનપુર ખાતેના પ્રોજેક્ટ ડિરેક્ટર(PD)ને સસ્પેન્ડ કર્યો છે. આ એક્સપ્રેસવેનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપની ‘મેસર્સ CDS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ’ને વર્તમાન તથા ભવિષ્યમાં થનારી કોઈપણ ટેન્ડરની હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથોસાથ ઓથોરિટીના ઇજનેરને પણ કારણદર્શક નોટિસ આપીને હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

ફૂટપાથની તપાસ પાસે સમિતિઓની રચના

અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના ફૂટપાથની આ ખરાબ સ્થિતિની તપાસ માટે IIT-BHU, IIT-દિલ્હી, IIT-ગાંધીનગરના નિવૃત્ત અને વર્તમાન પ્રોફેસરોની સાથે નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી છે. નિષ્ણાત સમિતિઓ સ્થળની મુલાકાત લઈ ફૂટપાથની સ્થિતિની સમીક્ષા કરીને પોતાનો રિપોર્ટ આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button