નેશનલ

‘ભારતમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે 30 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમ’: અનુરાગ ઠાકુરે જાહેરાત કરી

ગોવા: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે સોમવારે 54મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા(IFFI)નું ઉદ્ઘાટન કરતી વખતે દેશમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહનો વધારવા અને દેશમાં થતા ખર્ચની ભરપાઈની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય ઉદ્દેશ્ય મધ્યમ અને મોટા બજેટના આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટને ભારતમાં આકર્ષવાનો છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેન્દ્ર સરકારે ભારતમાં વિદેશી ફિલ્મોના નિર્માણ માટે પ્રોત્સાહક યોજના શરૂ કરી હતી. ત્યારે રૂ. 2.5 કરોડની મર્યાદા સુધી દેશમાં થયેલા ખર્ચના 30 ટકા વળતરની ઓફર કરી હતી. મહત્તમ પ્રોત્સાહન હવે રૂ.૩૦ કરોડની વધેલી મર્યાદા સાથે થયેલા ખર્ચના 40 ટકા સુધી હશે.

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગનો વિકાસ વાર્ષિક 20 ટકા છે. આજે આપણે વિશ્વના પાંચ સૌથી મોટા બજારોમાંના એક છીએ. ભારતનો ફિલ્મ ઉદ્યોગ માત્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટા બજારોમાંનું એક છે.

20 થી 28 નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગ્લાસને પ્રતિષ્ઠિત સત્યજીત રે એક્સેલન્સ ઇન ફિલ્મ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે 28 નવેમ્બરે IFFI માસ્ટર ક્લાસને પણ સંબોધિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button