પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…

નવી દિલ્હી: સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રની શરૂઆતીથી પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલથી સંસદમાં 22 એપ્રિલના બનેલી પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ છે.
આ ચર્ચામાં આજે અમિત શાહે નિવેદન આપ્યું હતું. આ સાથે તેમને ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી પણ આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જાહેરાત કરી કે ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર હતા, જેમાં 26 મામૂસ લોકોના જીવ ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત અભિયાનથી આ સફળતા મળી, જે દેશની સુરક્ષા માટે મહત્વની સિદ્ધિ ગણાય છે.
ઓપરેશન મહાદેવની કામગીરી
શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણ A ગ્રેડના આતંકવાદીઓ સુલેમાન (લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર), અફઘાન અને જિબ્રાનને ઘેરી લીધા અને ઠાર કર્યા હતા. આ ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓ હતા અને પહલગામ હુમલામાં સામેલ હોવાનું સાબિત થયું છે.
તેમની પાસેથી એક એમ-9 અને બે એકે-47 રાઈફલ્સ જપ્ત કરવામાં આવી છે. જેની કારતૂસ પહલગામ હુમલામાં વપરાયેલી કારતૂસ સાથે મેળ ખાતી હોવાની ખાતરી વૈજ્ઞાનિકોની ટીમે કરી છે.
ઓપરેશનની શરૂઆત અને તપાસ
‘ઓપરેશન મહાદેવ’ની શરૂઆત 22 એપ્રિલ, 2025ના રોજ થઈ, જે દિવસે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. તે જ રાત્રે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ, જે બાદ સુરક્ષા દળોએ આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં 1055 લોકોની 3000 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી
ઓપરેશન દરમિયાન લોકોના પુછપરછના વિડીયો રેકોર્ડ સાક્ષી તરીકે કરવામાં આવ્યા છે. આ પૂછપરછના આધારે બશીર અને પરવેઝ નામના બે વ્યક્તિઓની ઓળખ થઈ, જેમણે આતંકવાદીઓને મદદ કરી હતી. આ બંને હાલ કસ્ટડીમાં છે.
હથિયારોની તપાસ અને સફળતા
આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલી રાઈફલ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવી હતી. છ વૈજ્ઞાનિકોની ટીમે ખાતરી કરી કે આ રાઈફલ્સમાં વપરાયેલી કારતૂસ પહલગામ હુમલામાં વપરાયેલી કારતૂસ સાથે મેળ ખાય છે. આ સફળતા દ્વારા સુરક્ષા દળોએ પહલગામ હુમલાનો બદલો લીધો અને આતંકવાદ સામે દેશની લડતને વધુ મજબૂત કરી. ગૃહમંત્રીએ આ ઓપરેશનને દેશની સુરક્ષા માટે મહત્વનું પગલું ગણાવ્યું.