છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અંગે અમિત શાહે પહેલાં જ આપ્યા હતા સંકેત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાય અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી તેને સરપ્રાઈઝ તરીકે જોવામાં આવે છે અને આશ્ર્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બંનેને મુખ્ય પ્રધાન બનાવવાની યોજના અમિત શાહના મગજમાં પહેલેથી જ હતી અને તે અંગેના સંકેત પણ તેમણે આપ્યા હતા એવું કેટલાક રાજનીતિજ્ઞો કહી રહ્યા છે.
વાસ્તવમાં જ્યારે વિષ્ણુદેવ સાયનો પ્રચાર કરવા માટે અમિત શાહે સભા કરી હતી, ત્યારે તેમણે લોકોને એવી અપીલ કરી હતી કે ‘તમે વિષ્ણુદેવ સાયને વિજયી બનાવો અને તમે તેમને ઘણો મોટો માણસ બનતા જોઈ શકશો.’ અમિત શાહના એ નિવેદનનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે અને અમિત શાહના ચૂંટણી પહેલાં જ આપવામાં આવેલા સંકેત તરીકે હવે જોવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ભજનલાલ શર્માને જયપુરની સાંગાનેરની જે બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. સંગઠનમાં કામ કરી રહેલા ભજનલાલ શર્માને અચાનક બોલાવીને સિટિંગ એમએલએ અશોક લાહોટીની ટિકિટ કાપીને તેમને ઉમેદવારી આપવામાં આવી હતી. સુરક્ષિત બેઠક પરથી તેમને લડાવીને તેમનો રસ્તો સાફ કરી નાખવામાં આવ્યો હતો. તેમના પ્રચાર વખતે રાજ્યમાં નવું અરુણું પ્રભાત જોવા મળશે એવો આશાવાદ અમિત શાહે આપ્યો હતો અને તેને પણ આગોતરા સંકેત તરીકે જોવામાં આવે છે.