ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત! બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થતા એકનું મોત, અનેક ઘાયલ | મુંબઈ સમાચાર
નેશનલ

ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત! બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થતા એકનું મોત, અનેક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરઃ અમરનાથ યાત્રાને મામલે અત્યારે ફરી એક નવી અપડેટ આવી છે. અત્યારે અમરનાથમાં હવામાન ખરાબ ચાલી રહ્યું હોવાથી ફરી યાત્રાને રોકવામાં આવી હોવાનું એલાન કરવામાં આવ્યું છે. હવામાનને કારણે થઈ રહેલી સમસ્યાઓના કારણે આજે યાત્રા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ભૂસ્ખલનમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમરનાથ યાત્રા અંગે અપડેટ આપતા જમ્મુ અને કાશ્મીર ડીઆઈપીઆરએ કહ્યું કે, ‘પહલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા આજ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે’. હવામાન ખરાબ હોવાના કારણે 16મી જુલાઈએ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. આજથી યાત્રા ફરી શરૂ કરવાની હતી પરંતુ હવામાનની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ના હોવાથી આજે પણ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. કારણ કે, અમરનાથ યાત્રાના રૂટમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે.

ભક્તોને બાલતાલ તરફ જવાની મંજૂરી અપાઈ

યાત્રાના રૂટની વાત કરવામાં આવે તો, જે યાત્રાળુઓ પંચતરણી કેમ્પમાં રોકાયેલા હતા તેમને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને માઉન્ટેન રેસ્ક્યુ ટીમના રક્ષણ હેઠળ બાલતાલ તરફ જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું કે, અત્યારે ખરાબ હવામાનને કારણે યાત્રા બંધ કરવામાં આવી છે. 18 જુલાઈથી યાત્રા શરૂ થવાની સંભાવના છે’.

21મી જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી

મહત્વની વાત એ છે કે, 18 જુલાઈએ યાત્રા શરૂ થશે તેની કોઈ ખાતરી નથી. કારણે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 21મી જુલાઈ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જો હવામાનની સ્થિતિમાં સુધાર આવશે તો ફરી યાત્રા શરૂ કરવામાં આવશે. કારણ કે, ચાલુ વરસાદમાં યાત્રા યથાવત રાખવી શ્રાદ્ધાળુઓ માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2025ની અમરનાથ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 2.47 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. જ્યારે હજી પણ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આતુર છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button