Loksabha Election 2024 : રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાનો આક્ષેપ, રાયબરેલીથી ઉમેદવારી રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી(Loksabha Election)ને કારણે રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. ઉત્તર પ્રદેશની રાયબરેલી(Raebareli) બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચ(Election Commission)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની નાગરિકતા અને માનહાનિના કેસમાં તેમની તાજેતરમાં સજાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ ચૂંટણી પંચ દ્વારા રાહુલ ગાંધીની ઉમેદવારીને કેવી રીતે માન્ય ગણી શકાય તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી.
રાહુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનું નામ અનિરુદ્ધ પ્રતાપ સિંહ છે. જેના વતી વકીલ અશોક પાંડેએ ફરિયાદ નોંધાવી છે. વકીલે રાહુલ વિરુદ્ધ રાયબરેલીના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી છે. જેમાં કોંગ્રેસ નેતાની ઉમેદવારી તેમની નાગરિકતા અને કેસમાં દોષિત ઠેરવવાના આધારે રદ કરવાની માંગ કરવામાં આવી છે. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો.વકીલ અશોક પાંડેએ કહ્યું, “સૌથી પહેલા તો રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ છે. તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. ભલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂક્યો હોય.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા વકીલે વધુમાં કહ્યું કે, “બીજી વાત એ છે કે એક વખત 2006માં રાહુલ ગાંધીએ બ્રિટિશ તરીકેની નાગરિકતા જાહેર કરી હતી. બ્રિટિશ નાગરિક હોવાને કારણે તેઓ બંધારણીય રીતે ચૂંટણી લડી શકતા નથી. મારી ફરિયાદ બાદ રાહુલ ગાંધીના પ્રતિનિધિએ 2006માં પોતાની નાગરિકતા જાહેર કરી હતી. મારી ફરિયાદ બાદ તેમના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા હતા અને મારી ફરિયાદ સ્વીકારવામાં આવી છે.”
રાહુલની ઉમેદવારી માન્યઃ કોંગ્રેસ
જ્યારે કોંગ્રેસના નેતા અજય પાલ સિંહે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદને લઈને નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે તેમની ઉમેદવારી પહેલા પણ માન્ય રાખવામાં આવી હતી અને અત્યારે પણ માન્ય છે. તેમણે કહ્યું, “એક ઉમેદવાર છે જેણે ફરિયાદની મુદત પૂરી થયા પછી રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાહુલની ઉમેદવારી પહેલેથી જ માન્ય છે અને હજુ પણ માન્ય છે.”