કોવિશિલ્ડ રસી મુદ્દે અખિલેશ યાદવે ભાજપ પર તાક્યું નિશાન, એ હત્યાના કાવતરાસમાન…
લખનઉઃ કોવિશિલ્ડ રસીની ‘આડઅસર’ અંગેના વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવે આજે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે શાસક પક્ષે લોકોના જીવનને જોખમમાં મૂકીને રસી ઉત્પાદક પાસેથી રાજકીય દાન એકત્ર કર્યું છે અને તેની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની હાકલ કરી છે. આ પ્રકારની ‘ઘાતક’ દવાઓને મંજૂરી આપવી એ કોઇની હત્યાના કાવતરા સમાન છે અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઇએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
જેમણે રસીની આડઅસરને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા જેમને રસીની પ્રતિકૂળ અસરોનો ડર હતો, તેમની શંકાઓ અને ડર હવે સાચા સાબિત થયા છે. તેમણે કહ્યું કે લોકોના જીવન સાથે રમત કરનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે. આવી ઘાતક દવાઓને મંજૂરી આપવી એ કોઇની હત્યાના ષડયંત્ર સમાન છે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ, એમ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું.
આપણ વાંચો: કોવિશિલ્ડનું પ્રોડક્શન સરકારી સંસ્થાને ન આપતા ખાનગી સંસ્થાને શા માટે આપ્યું?: કૉંગ્રેસ
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે શાસક પક્ષે રસી બનાવતી કંપની પાસેથી રાજકીય દાન એકત્ર કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. તેમને ન તો કાયદો ક્યારેય માફ કરે, ન જનતા. આ મામલે ઉચ્ચ સ્તરે ન્યાયિક તપાસ થવી જોઇએ.
અગાઉ મંગળવારે સપા નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે કોવિડ રસીના ઉત્પાદક પાસેથી ‘કમિશન’ લીધું હતું જે લોકોને ‘બળજબરીથી’ આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા અજય રાયે પણ આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન મોદીએ લોકોના જીવ સાથે રમત રમી છે. તેમણે કહ્યું કે, શું આ મોદીની ગેરન્ટી છે?