પંજાબમાં અકાલી દળના નેતા જરનૈલ વાહિદની પત્ની અને પુત્ર સાથે ધરપકડ

પંજાબ વિજિલન્સ બ્યુરોએ શનિવારે શિરોમણી અકાલી દળ (એસએડી)ના નેતા અને માર્કફેડ કોઓપરેટિવ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ જરનૈલ સિંહ વાહિદની ખાંડ મિલમાં કથિત અનિયમિતતા આચરવા બદલ ધરપકડ કરી હતી. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ અનિયમિતતાના કારણે મીલને આવકમાં નુકસાન થયું હતું.
વિજિલન્સ બ્યુરોએ જરનૈલ સિંહ વાહિદ સાથે તેમની પત્ની રુપિન્દર કૌર વાહિદ અને પુત્ર સંદીપ સિંહ વાહિદની પણ ધરપકડ કરી છે. તેમના પત્ની અને પુત્ર સંધાર સુગર મિલ લિમિટેડના ડિરેક્ટર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જરનૈલ સિંઘ મિલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા, મીલ પર ખેડૂતોનું લગભગ રૂ. 40 કરોડનું દેવું ચડી ગયું છે.
બ્યુરોના પ્રવક્તાએ કહ્યું કે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મિલ છેલ્લા ચાર વર્ષથી શેરડીના ખેડૂતોને બાકી ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી હતી અને લગભગ 40 કરોડ રૂપિયાનું દેવું ચડ્યું હતું.
બ્યુરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખેડૂતોની વારંવારની માંગણીઓ છતાં, મિલે તેમની નાણાકીય જવાબદારીઓ પૂરી કરી નથી. ભારતી કિસાન યુનિયન (દોઆબ)ના સભ્યો છેલ્લા ચાર દિવસથી સુગર મિલ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ મિલને તાળાબંધી કરી તમામ લેણાં ચૂકવવાની માંગ કરી હતી. તેમણે શનિવારે તેમની હડતાળ સમાપ્ત કરી હતી.
પંજાબના કૃષિ પ્રધાન ગુરમીત સિંહ ખુડિયાને ગુરુવારે BKU (દોઆબ)ના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં, કપૂરથલાના ડેપ્યુટી કમિશનરને નાદાર સુગર મિલ માલિકોની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કપૂરથલા જિલ્લાના અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું કે શેરડીના ખેડૂતોના તમામ બાકી લેણાં સમયમર્યાદામાં ચૂકવવામાં આવે.