
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર સત્તામાં આવ્યાના આશરે 4 મહિના થઈ ગયા છે. આ દરમિયાન ખેડૂતોની દેવા માફી સમાચારમાં છે. અજિત પવારનું એક નિવેદન વાઇરલ થયું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે હજુ આવી સ્થિતિ નથી. અમે ભવિષ્યની સ્થિતિને લઈ ફેંસલો કરીશું. આ વર્ષે કે આગામી વર્ષે દેવું માફ થાય તેવી અમારી સ્થિતિ નથી.
31 માર્ચ સુધી તમામ ખેડૂતો કૃષિ ધીરાણ ભરે, સરકાર તમારા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. લાડકી બહન યોજનામાં ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. ચૂંટણીમાં કરવામાં આવેલા તમામ વાયદા હંમેશા પૂરા થઈ શકતા નથી.
આ પણ વાંચો: મ્યાનમારમાં મૃત્યુઆંક 1000ને પાર, નુકશાનનો અંદાજ આવતા લાગશે દિવસો…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ટિપ્પણી પર શનિવારે કહ્યું કે, પાક ધીરાણ માફીને લઈ તેમણે સરકાર સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો છે. બે દિવસ પહેલા બારામતીમાં એક કાર્યક્રમમાં અજિત પવારે કહ્યું હતું કે, રાજ્યની વર્તમાન નાણાકીય સ્થિતિ પાક ધીરાણ માફ કરી શકાય તેવી નથી. ખેડૂતોએ રાહ જોવાના બદલે પાક ધીરાણ સમયસર ભરી દેવું જોઈએ.
આ પણ વાંચો: Chhattisgarh: સુકમામાં સુરક્ષા દળોના ઑપરેશન મામલે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ કે…
અજિત પવારે એમ પણ કહ્યું હતું કે, અન્ય ચીજોને દેખાડો કરી શકાય છે પરંતુ નાણાકીય વાસ્તવિકતાનો નહીં. ચૂંટણી ઢંઢેરામાં પાક ધીરાણ માફીનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ આજે હું ખેડૂતોને 31 માર્ચ પહેલા તેમના પાક ધીરાણનો હપ્તો ચુકવી દેવા અપીલ કરું છું. કેટલાક ખેડૂતો સરકાર ઋણ માફીની જાહેરાત કરશે તેમ માનીને ચુકવણી કરતા નથી. રાજ્ય સરકાર આ અંગે યોગ્ય સમયે નિર્ણય લેશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અજિત પવારની ટિપ્પણી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, અજિત પવારે સરકારની સ્થિતિ જણાવી દીધી છે. તેમણે પાક ધીરાણ ક્યારેય માફ નહીં કરવામાં આવે તેમ કહ્યું નથી. આના એક દિવસ પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુણેમાં સરકાર ચૂંટણી ઢંઢેરામાં કરેલા તમામ વાયદા પૂરા કરશે તેમ કહ્યું હતું.