નેશનલ

પહલગામ હુમલા પર અજિત પવાર જૂથના નેતાનું મોટું નિવેદન- ‘માત્ર સર્જિકલ સ્ટ્રાઈકથી કંઈ નહીં થાય, પણ…’

મુંબઈઃ જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલાને દસ દિવસ પછી પણ હજુ દેશભરમાંથી તેના પ્રત્યે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેમાં લોકોની સાથે નેતાઓ પણ આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે સરકારને અનુરોધ કરી રહ્યા છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ ‘ગૌરવશાળી મહારાષ્ટ્ર મહોત્સવ-2025’નું આયોજન કર્યું હતું, જેમાં અજિત પવારની પાર્ટીના નેતાઓએ ઘણા નિવેદનો આપ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે હવે ફક્ત સર્જિકલ સ્ટ્રાઈકથી કંઈ નહીં થાય, દુશ્મનોની સર્જરી કરવી પડશે.

પ્રફુલ્લ પટેલે અજિત પવાર માટે શું કહ્યું?

એનસીપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સાંસદ પ્રફુલ્લ પટેલે મહારાષ્ટ્ર દિવસ પર પાર્ટી કાર્યકરો અને જનતાને ખાતરી આપી હતી કે શિવ-શાહુ-ફૂલે-આંબેડકરના વિચારોને ક્યારેય નહીં ત્યજીએ. અમે આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ સ્પષ્ટપણે જણાવી દીધી છે. વિરોધીઓ પર કટાક્ષ કરતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે ઘણા લોકો પ્રગતિશીલ વિચારોની વાતો કરે છે પરંતુ તેમના મનમાં કંઈક બીજું અને તેમના વર્તનમાં કંઈક બીજું હોય છે, પરંતુ અજિત પવાર એવા નથી. તેમના શબ્દોમાં અને તેમના હૃદય બંનેમાં સત્ય અને રામ છે.”

‘મહારાષ્ટ્ર ગૌરવ દિવસ વિજયાદશમીની જેમ ઉજવવામાં આવ્યો’

એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ જણાવ્યું હતું કે, “અમે મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી પાણી અને માટીના કળશ લાવીને સંયુક્ત મહારાષ્ટ્ર મહોત્સવની ઉજવણી કરી છે.” તેમણે એમ પણ કહ્યું કે આજે અમને મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ભૂમિનો અનુભવ થયો અને જેમ વિજયાદશમી ઉજવવામાં આવે છે, તેમ દર વર્ષે ‘મહારાષ્ટ્ર ગૌરવ દિવસ’ પણ ઉજવવામાં આવશે.

અજિત પવારે યશવંતરાવ ચવ્હાણને યાદ કર્યા

એનસીપી વડા અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે આ પ્રસંગે કહ્યું કે યશવંતરાવ ચવ્હાણથી લઈને દેવેન્દ્ર ફડણવીસ સુધીની સરકારોએ મહારાષ્ટ્રને આગળ વધારવાનું કામ કર્યું છે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. મતભેદ હોઈ શકે છે, પરંતુ રાજ્યના લોકોનો વિકાસ થાય, એ જ સ્વર્ગસ્થ યશવંતરાવ ચવ્હાણનું સ્વપ્ન હતું અને અમે તે સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છીએ.

બેલગામ-કારવાર મહારાષ્ટ્રમાં આવ્યા પછી પૂર્ણ થશેઃ અજિત પવાર

આ કાર્યક્રમ માનવંદના (સન્માન)નો સમારોહ છે અને નવી પેઢીને મહારાષ્ટ્રના ઇતિહાસની યાદ અપાવવા માટે દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમણે ખાતરી આપી કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને સરકાર મહારાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરશે. અજિત પવારે કાર્યક્રમની પ્રશંસા કરતા કહ્યું કે મહારાષ્ટ્રનું નિર્માણ સંઘર્ષથી થયું હતું અને આજે પણ મહારાષ્ટ્ર સંઘર્ષ કરી રહ્યું છે. બેલગામ અને કારવારનો વિસ્તાર હજુ મહારાષ્ટ્રમાં સામેલ થયો નથી. જ્યારે તે વિસ્તાર મહારાષ્ટ્રમાં આવશે, ત્યારે જ મહારાષ્ટ્ર પૂર્ણ થશે.

મારી પાસે જે કંઈ છે આ શહેરનું છેઃ જાવેદ અખ્તર

NCPના આ કાર્યક્રમમાં જાવેદ અખ્તરે પણ ભાગ લીધો હતો. પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “મારી પાસે જે કંઈ છે તે આ શહેરનું છે. હું તેનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મહારાષ્ટ્ર અને મુંબઈનું હૃદય ઉદાર છે. મહારાષ્ટ્ર એક મીની ભારત છે.” પહલગામ હુમલાને યાદ કરતા તેમણે કહ્યું, “આ ભૂલવું ન જોઈએ. દુશ્મનોની નજર આપણા પર છે. મુંબઈએ તમારું શું બગાડ્યું છે ?” એમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો…પહલગામ હુમલા વચ્ચે અમરેલીના ધારીમાંથી ‘ગેરકાયદે’ મૌલવી પકડાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button