Top Newsનેશનલ

ટેકનિકલ ખામીઓને કારણે એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમમાં પડ્યો વિક્ષેપ, એર ઇન્ડિયા સહિત અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત…

નવી દિલ્હી: ભારતની અગ્રણી એરલાઈન એર ઈન્ડિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે દેશના ઘણા એરપોર્ટ્સ પર થર્ડ-પાર્ટી સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે ચેક-ઇન પ્રક્રિયામાં ગંભીર અસર પહોંચી હતી. જોકે, આ મુશ્કેલીની જાણ થતાં જ એરલાઈને તાત્કાલિક પગલા લીધા હતા અને ટૂંકા ગાળામાં જ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો. એર ઈન્ડિયાએ આ ઘટના બાદ પુષ્ટિ કરી હતી કે તમામ એરપોર્ટ્સ પરની કામગીરી હવે સંપૂર્ણપણે સામાન્ય બની ગઈ છે અને વિમાનોનું સંચાલન સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે.

સિસ્ટમમાં ખામીની જાહેરાત કર્યાના થોડા સમય બાદ, એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે સમસ્યાનો સંપૂર્ણપણે નિકાલ આવી ગયો છે. એરલાઈને જણાવ્યું, “થર્ડ-પાર્ટી સિસ્ટમ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગઈ છે, અને તમામ એરપોર્ટ્સ પર ચેક-ઇન પ્રક્રિયા હવે સામાન્ય રીતે ચાલી રહી છે. અમારી બધી ફ્લાઇટ્સ સમયસર કાર્યરત છે. મુસાફરોએ આપેલો સહયોગ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.” આ અપડેટથી મુસાફરો અને એરપોર્ટ ઓપરેટરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, મંગળવાર મોડી રાત્રે ઘણા એરપોર્ટ્સ પર થર્ડ-પાર્ટી સિસ્ટમમાં આવેલી આ ખામીની અસર માત્ર એર ઈન્ડિયા પર જ નહીં, પરંતુ અન્ય ઘણી એરલાઈન્સની ફ્લાઇટ્સ પર પણ પડી હતી, જેના કારણે અમુક સમય માટે ફ્લાઇટ ઓપરેશનમાં વિલંબ થયો હતો. એર ઈન્ડિયાએ અગાઉ એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે, આ ટેક્નિકલ ખામીને કારણે ચેક-ઇન સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી.

જેના પરિણામે તેમની સહિત અન્ય એરલાઈન્સની ફ્લાઇટ્સ મોડી પડી હતી. ફ્લાઇટ્સની ગતિવિધિ પર નજર રાખતી એક વેબસાઈટના ડેટા અનુસાર, નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રસ્થાનમાં વિલંબનું સ્તર અસામાન્ય રીતે 4 સુધી પહોંચી ગયું હતું, જે સૂચવે છે કે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ પણ કરવી પડી હતી.

પ્રારંભિક તબક્કામાં, જ્યારે સિસ્ટમ ધીમે ધીમે પૂર્વવત્ થઈ રહી હતી, ત્યારે એર ઈન્ડિયાએ મુસાફરોને તેમની મુશ્કેલી માટે દિલગીરી વ્યક્ત કરી હતી. એરલાઈને જણાવ્યું હતું કે તેમની એરપોર્ટ ટીમો ચેક-ઇન પ્રક્રિયાને સરળ બનાવવા માટે સતત કાર્ય કરી રહી હતી. સિસ્ટમ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના હતી. તેથી, મુસાફરોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ અસુવિધા ટાળવા માટે તેમની ફ્લાઇટનું સ્ટેટસ તપાસતા રહે. જોકે, હવે સિસ્ટમ સંપૂર્ણપણે પૂર્વવત્ થતાં, એરલાઈન સેવાઓ સામાન્ય ગતિએ ચાલુ છે.

આ પણ વાંચો…ઉડાનમાં ‘બર્ડ હિટ’નો પડકાર: અમદાવાદ એરપોર્ટ પર 11 મહિનામાં 65 ઘટના…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button