નેશનલ

પહેલગામ હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની ઉઘાડી લૂંટ, શ્રીનગરથી ઈન્દોરનું બમણું ભાડું વસૂલ્યું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરમાં ફસાયેલા લોકો પાસેથી એરલાઇન્સ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જોકે, તેની બાદ પણ શ્રીનગર એરપોર્ટ પર રેલવે સ્ટેશનની જેવી ભીડ જોવા મળી હતી.

ઇન્દોરની બે ટિકિટ 38,000 રૂપિયામાં ખરીદી

જેમાં શ્રીનગરથી પ્રવાસી ફ્લાઇટ્સ બુક કરવાના વધતા દબાણનો પણ એરલાઇન્સે પૂરો લાભ લીધો હતો. તેમજ હુમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હીનું ભાડું 25 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું હતું. સરકારે કંપનીઓને ભાડા સામાન્ય રાખવા કહ્યું હતું. પરંતુ કંપનીઓએ આ સમયે કમાવવામાં કોઈ કસર છોડી નહીં. મધ્યપ્રદેશના પ્રવાસી વિશ્વાસ બોરાડેએ જણાવ્યું કે તેણે શ્રીનગરથી ઇન્દોરની બે ટિકિટ 38,000 રૂપિયામાં ખરીદી હતી. જ્યારે આવતી વખતે તેને 18,000 રૂપિયામાં બે ટિકિટ મળી હતી.

કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રને પણ નુકસાન

આ ઉપરાંત શ્રીનગરથી નજીકના શહેરો જેમ કે દિલ્હી, જમ્મુ, અમૃતસર, ચંદીગઢ માટે વિમાન ભાડું પ્રતિ મુસાફર 10 થી 15 હજાર રૂપિયા હતું. બીજી તરફ આ હુમલા બાદ કાશ્મીરના પ્રવાસન ક્ષેત્રને પણ નુકસાન થઈ રહ્યું છે. હોટલ અને વાહન બુકિંગ ઝડપથી રદ થઈ રહ્યા છે. દાલ લેકની હાઉસ બોટના વાહિદ વાનીએ જણાવ્યું કે 80 ટકા હાઉસ બોટ બુકિંગ રદ કરવામાં આવ્યા છે.

દાલ લેકમાં 1220 હાઉસ બોટ

દાલ લેકમાં 1220 હાઉસ બોટ છે અને તે હજારો પરિવારોને રોજગારી પૂરી પાડે છે. અહીં એક તરતું મીના બજાર છે. શિકારા પર દુકાનો આવેલી છે. હાઉસ બોટનું ભાડું 2 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધીનું છે. આ સિઝનમાં પણ જૂન સુધી બુકિંગ થયું હતું. પરંતુ હવે બધું ધીમે ધીમે રદ થઈ રહ્યું છે. આતંકી હુમલાના ભયના લીધે પ્રવાસીઓ હવે અહીં આવવા માંગતા નથી.

જમ્મુ હાઇવેને આંશિક રીતે ખોલવામાં આવ્યો

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ફસાયેલા લોકો હવે તેમના રાજ્યોમાં પરત ફરી રહ્યા છે. આ દરમિયાન ભૂસ્ખલનને કારણે જમ્મુ હાઇવે પાંચ દિવસ માટે બંધ રહ્યો હતો. તેને આંશિક રીતે ખોલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો…ભારતીય એરલાઇન્સ કંપનીઓએ દુબઈ માટે ફ્લાઇટ્સ રદ કરી, અહી જાણો વિગતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button