
નવી દિલ્હીઃ છેલ્લા છ મહિનામાં પાંચ સુરક્ષા ઉલ્લંઘનોના સંદર્ભમાં એર ઇન્ડિયાને કુલ નવ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે, એમ નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે આજે રાજ્યસભામાં માહિતી આપી હતી.
નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાને જણાવ્યું કે એક ઉલ્લંઘનના સંદર્ભમાં અમલીકરણ કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. ૧૨ જૂનના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના કારણો અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય પ્રધાને જણાવ્યું કે છેલ્લા છ મહિના દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના સંદર્ભમાં એર ઇન્ડિયાની વિશ્વસનીયતા રિપોર્ટમાં કોઇ પ્રતિકૂળ વલણ સામે આવ્યું નથી.
જવાબમાં જણાવાયું છે કે વિમાન(દુર્ઘટનાઓ અને ઘટનાઓની તપાસ) નિયમ, ૨૦૧૭ના નિયમ ૧૧ હેઠળ ડિરેક્ટર જનરલ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા ૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-૧૭૧ની દુર્ઘટનાના સંભવિત કારણ/ફાળો આપનાર પરિબળો નક્કી કરવા માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એએઆઇબી દ્વારા ૧૨ જુલાઇના રોજ દુર્ઘટના અંગેનો પ્રારંભિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
કેન્દ્રએ જણાવ્યું કે છેલ્લા છ મહિના દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વિમાનના સંદર્ભમાં એર ઇન્ડિયાની વિશ્વસનીયતા રિપોર્ટોમાં કોઇ પ્રતિકૂળ વલણ જોવા મળ્યું નથી. અત્રે નોંધનીય છે કે ૧૨ જૂનના રોજ લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૭ વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની તરત બાદ મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં ૨૪૨ મુસાફરો સવાર હતા. જેમાંથી ૨૪૧ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ઘણા લોકો જમીન પર પણ મૃત્યુ પામ્યા હતા.