
નવી દિલ્હીઃ દેશના અનેક એરપોર્ટ્સ પર એર ઈન્ડિયાનું આજે સર્વર ડાઉન થયું હતું, જેને કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થવાને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનર એરપોર્ટ (આઈજીઆઈ) ખાતે બોર્ડિંગ કરનારા પ્રવાસીઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.
પાટનગર ખાતે એક અધિકારીએ કહ્યું કે દેશના અનેક એરપોર્ટ ખાતે એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થયું હોવાથી મુશ્કલી સર્જાઈ હતી, પરંતુ ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. એરપોર્ટ પરના હાજર એક પ્રવાસીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ટર્મિનલ ટૂ ખાતે સર્વરમાં સમસ્યા સર્જાઈ હતી, જે અંગે અનેક પ્રવાસીઓ પણ ફરિયાદ કરી હતી. એરપોર્ટ પરના કર્મચારીએ કહ્યું હતું કે સોફ્ટવેર સિસ્ટમ કામ નહીં કરતી હોવાથી લગેજ ડ્રોપ કરવામાં આવી રહ્યો છે.
અન્ય એક પ્રવાસીએ લખ્યું હતું કે દહેરાદૂનથી દિલ્હી આવી હતી અને તેની વિશાખાપટ્ટનમથી કનેક્ટિંગ ફ્લાઈટ દિલ્હીની હતી. સર્વરમાં મુશ્કેલીને કારણે તેની ફ્લાઈટ છૂટી ગઈ હતી, જેથી પ્રવાસ કરવાનું મુશ્કેલીભર્યું રહ્યું હતું. સોફ્ટવેરમાં પરેશાનીને કારણે એરલાઈન મેન્યુઅલી કામ કરી રહી છે, પરંતુ તેનું કામ બહુ ધીમું થઈ રહ્યું છે.
અહીં એ જણાવવાનું કે આ વર્ષે એપ્રિલ મહિનામાં પાંચ કલાકથી વધુ સર્વર ઠપ થવાને કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સર્વિસ પર અસર થઈ હતી. 27 એપ્રિલના વહેલી સવારના સર્વર ઠપ થઈ જવાને કારણે પ્રવાસીઓએ એરપોર્ટ પરથી સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવાનું શરુ કર્યું હતું, ત્યાર બાદ કંપનીએ કહ્યું હતું કે SITA સર્વરમાં ખામીને કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર અસર થઈ હતી.



