
સુરક્ષાના ગંભીર ઉલ્લંઘન બદલ એરલાઇન ઓપરેટરને ફટકાર લગાવી, જવાબદાર કર્મચારીઓ સસ્પેન્ડ
નવી દિલ્હીઃ દેશના ઉડ્ડયન નિયમનકાર DGCA એ એર ઇન્ડિયા પર ગંભીર બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. એર ઇન્ડિયાએ એરવર્ધિનેસ (ઉડ્ડયન યોગ્યતા) સર્ટિફિકેટની મુદત પુરી થઇ ગયેલા 164 સીટવાળા A320 વિમાનને 24 અને 25 નવેમ્બરના રોજ 8 વખત ઉડાડ્યું હતું, જેનાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. DGCAએ આને ગંભીર સુરક્ષા ઉલ્લંઘન ગણીને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી નિયમનકારને સહકાર આપવાની વાત કરી છે.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ગંભીર બેદરકારી બદલ એરલાઇન ઓપરેટર એર ઇન્ડિયાને ફટકાર લગાવી છે. એરલાઇન્સે ઉડ્ડયન પ્રમાણપત્રની મુદત પુરી થઇ ગયેલા એરબસ 320 વિમાન ઉડાવવાનું ચાલુ રાખ્યું હતું. આનાથી ઘણા મુસાફરોના જીવ અનેક વખત જોખમમાં મુકાયા હતા.
આ પણ વાંચો: તમિલનાડુના ત્રિચી એરપોર્ટથી દુબઈ જતી એર ઇન્ડિયાની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
અધિકારીઓના જણાવ્યા અનુસાર એરલાઇને 24 અને 25 નવેમ્બરના એરવર્ધિનેસ (ઉડ્ડયન યોગ્યતા) સર્ટિફિકેટની મુદત પુરી થઇ ગયેલા 164 સીટવાળા A320 વિમાનને આઠ વખત ઉડાડ્યું હતું. એક એન્જિનિયરને ભૂલની જાણ થઇ અને ત્યાર બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તેને ગંભીર સુરક્ષા ઉલ્લંઘન ગણાવીને સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. આ ઘટનમાં સંડોવાયેલા કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ સમગ્ર મામલા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે કામગીરીમાં સલામતી અને જવાબદારીના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
અમે કોઈ પણ ફરજિયાત નિયમો અથવા પ્રક્રિયાઓમાંથી કોઈ હિલચાલને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ અને અમારી સંસ્થામાં તે સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી. અમારા એક વિમાનના એરવર્ધિનેસ (ઉડ્ડયન યોગ્યતા) રિવ્યૂ સર્ટિફિકેટ (ARC)ની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ઉડાન ભરવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પણ વાંચો: A320 સિરીઝના વિમાનોને લઈને એર ઇન્ડિયાએ આપી ચેતવણી, મુસાફરી પહેલાં સમય ચેક કરો
એરલાઈને વધુમાં કહ્યું કે અમને આ વાતની જાણ થતાં જ અમે તાત્કાલિક DGCA ને જાણ કરી અને આ ઘટનામાં જવાબદાર તમામ કર્મચારીઓને વધુ તપાસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે વિગતવાર આંતરિક તપાસ શરૂ કરી છે અને નિયમનકારને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ઘટના બાદ એર ઇન્ડિયા પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ડ્રીમલાઇનર દુર્ઘટનામાં પાઇલટ સહિત 260 લોકોના મોત થયા હતા. ત્યારથી એરલાઇન વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
એરલાઇન વારંવાર કહે છે કે સલામતી તેની પહેલી પ્રાથમિકતા છે, પરંતુ આ તાજી ઘટનાએ તેની સિસ્ટમ અને સલામતી અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં DGCAએ એરબસ A320માં સોફ્ટવેર અપગ્રેડની સમસ્યા અંગે તમામ એરલાઇન્સને માર્ગદર્શિકા જારી કરી હતી. અહીં એ જણાવવાનું કે અમદાવાદમાં બારમી જૂનના એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એર ઈન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ ઉડાન ભર્યાની ગણતરી સેકન્ડમાં ક્રેશ થયું હતું, જેમાં 241 પ્રવાસીનાં મોત થયા હતા, જ્યારે એક જ પ્રવાસી બચી ગયો હતો.



