
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પછી એક ખામીઓ આવી રહી છે. આજે અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી બીજી ઘટના ઘટતા રહી ગઈ છે. દિલ્હીમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં આગ લાગવાના સંકેતો મળ્યા હતા. જેને લઈને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જમણા એન્જિનમાં આગ લાગી
દિલ્હી એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની AI 2913 ફ્લાઈટે ઈન્દોર જવા માટે ટેક ઓફ કર્યું હતું. ટેક-ઓફ કર્યાની થોડી ક્ષણો બાદ વિમાનમાં આગ લાગવાના સંકેતો મળ્યા હતા. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “31 ઓગસ્ટે દિલ્હીથી ઈન્દોર જનારી AI 2913 ફ્લાઈટે ટેક-ઓફ કર્યા બાદ તરત દિલ્હી પાછી આવી, કારણ કે ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો હતો. જેથી માનક પ્રક્રિયાઓનું પાલન કરતા કોકપિટ ક્રૂએ એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને વિમાનને સલામત રીતે દિલ્હી પાછું લાવવામાં આવ્યું હતું.”
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા છે. તેઓનું વૈકલ્પિક વિમાનમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જેથી તેઓ જલ્દી ઈન્દોર પહોંચી શકે. આ ઘટના અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને જાણ કરી દેવામાં આવી છે.
એન્જિન બંધ થવાથી સર્જાઈ અમદાવાદ વિમાન દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થયેલા એઆઈ 717ના કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થયેલી પાયલટની વાતચીતથી જાણવા મળ્યું હતું કે, ટેક-ઓફથી થોડી સેકંડ બાદ બંને ફ્યુલ સ્વિચો ‘કટઓફ’ થઈ ગઈ હતી. ત્યારબાદ પાયલટે તેને ‘રન’ કરી હતી. પરંતુ એન્જિન સક્રિય થયું ન હતું. જેથી તાત્કાલિક અસરના ભાગરૂપે વિમાનના એન્જિનની શક્તિ ઓછી થવા લાગી હતી અને વિમાન ક્રેશ થયું હતું.
આપણ વાંચો: 10 પાસ માટે નોકરીની ઉત્તમ તક, પરીક્ષા વિના રેલવે કરી રહ્યું ભરતી, જાણો વિગતો…