અરવલ્લી ચુકાદા પર સ્ટે બાદ સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે પણ ધ્યાન આપે! જયરામ રમેશે કરી માંગ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર અરવલ્લી પર્વતમાળા ખાણકામને મંજુરી આપતો ચુકાદો આપતા દેશભર વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા પર સ્ટે મુક્યો હતો, જેને જનતાની જીત માનવામાં આવી રહી છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ત્રણ અન્ય પર્યાવરણીય બાબતો અંગે તાત્કાલિક સુઓ મોટો લેવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં લખ્યું કે સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદા પર સ્ટે મુક્યો એ સ્વાગતપાત્ર છે. તેમણે કહ્યું કે અરવલ્લી મામલાની જેમ માનનીય સુપ્રીમ કોર્ટે અન્ય ત્રણ પર્યાવરણીય બાબતો પર તાત્કાલિક સુઓ મોટો લેવી જોઈએ.
જયરામ રમેશે કહ્યું કે 6 ઓગસ્ટના રોજ, 57 બંધ ખાણો ફરીથી ખોલી શકાય એ માટે રાજસ્થાન સરકાર અને ભારત સરકાર દ્વારા સરિસ્કા ટાઇગર રિઝર્વની સીમાઓ ફરીથી આંકવાના પ્રસ્તાવ પર કોર્ટે હોલ્ડ મુક્યો હતો. આવા પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ.
જયરામ રમેશે કહ્યું 18 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદાની સમીક્ષા માટે તૈયારી બતાવી, પરંતુ તેમાં પૂર્વવર્તી પર્યાવરણીય મંજૂરીઓ સિવાયના ચુકાદાઓનો જ સમાવેશ થાય છે. આવી મંજૂરીઓ ન્યાયશાસ્ત્રના આધારની વિરુદ્ધ છે.
જયરામ રમેશે લખ્યું સુપ્રીમ કોર્ટ સાથે વિગતવાર પરામર્શ અને તેના સંપૂર્ણ સમર્થન બાદ સંસદના એક કાયદા દ્વારા ઓક્ટોબર 2010માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા દાયકામાં NGT ની શક્તિ ઓછી કરવામાં આવી છે.
જયરામ રમેશે માંગ કરી કે NGT ડર કે પક્ષપાત વિના કાયદા મુજબ કાર્ય કરી શકે એ માટે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ.
આપણ વાંચો: બ્રહ્મોસ-2 મિસાઈલ: 8,500 km/hની ઝડપ સાથે દુશ્મનો માટે બનશે કાળ, જાણો તેની તાકાત?



