બાળકનું પોંગલ ડાન્સનું પર્ફોર્મન્સ જોઇ પીએમ મોદીએ કર્યું કંઇક એવું……

નવી દિલ્હી :દેશભરમાં આજે પોંગલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન એલ મુરુગનના ઘરે જઇ પોંગલ તહેવારમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી કાળો કોટ, સફેદ લુંગી અને ખભા પર શાલ પહેરેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ અહીં એક છોકરીનું પ્રદર્શન જોઈને સન્માન પણ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે, “પોંગલના તહેવાર પર એક છોકરી ગીત ગાઈ રહી છે. ગીત પૂરું થયા બાદ ગાયિકા છોકરી પીએમ મોદીના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે પીએમ મોદી આ છોકરીને સન્માનના નિશાની તરીકે પોતાની શાલ ભેટ આપે છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને પોંગલની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તમિલનાડુના દરેક ઘરમાં પોંગલ તહેવારનો ઉત્સાહ જોઈ શકાય છે.
“હું તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો અવિરત પ્રવાહ આવે તેવી કામના કરું છું,” પીએમ મોદીએ ગઈકાલ લોહરી તહેવારની ઉજવણી, આજે મકર ઉત્તરાયણની ઉજવણી, આવતીકાલે મકર સંક્રાંતિની ઉજવણીનો અને ટૂંક સમયમાં આવનારા ઉત્સવ માઘ બિહુ તહેવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં ચાલી રહેલી તહેવારોની સિઝન માટે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે તેમણે મહાન સંત તિરુવલ્લુવરને પણ યાદ કર્યા હતા અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષિત નાગરિકો, પ્રામાણિક ઉદ્યોગપતિઓ અને સારા પાકની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોંગલ દરમિયાન, ભગવાનને તાજી લણણી અર્પણ કરવામાં આવે છે, જે ‘અન્નદાતા ખેડૂતો’ને કેન્દ્રમાં રાખે છે અને તેમને આ તહેવાર ઉજવવા સક્ષમ બનાવે છે. તેમણે છેલ્લી વખત બાજરી અને તમિલ પરંપરાઓ વચ્ચેના જોડાણ વિશે વાત કરી હતી, એની યાદો પણ તાજી કરી હતી.
સુપરફૂડ શ્રી અન્ના વિશે નવી જાગૃતિ આવી છે એ અંગે પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ઘણા યુવાનોએ શ્રી અન્ના પર સ્ટાર્ટઅપ સાહસો શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે બાજરીની ખેતી કરતા 3 કરોડથી વધુ ખેડૂતોને આ પ્રોત્સાહનનો સીધો ફાયદો થઈ રહ્યો છે.