ઝારખંડ બાદ હવે બંગાળમાં ત્રણ હાથી માર્યા ગયાઃ રેલવેની આઈડીએસ ક્યા છે

ઝારખંડમાં વીજકરંટ લાગવાથી હાથીઓના મોતની ઘટના તાજી જ છે ત્યાં પશ્ચિમ બંગાળમાં ટ્રેનની હડફેટે આવતા ત્રણ હાથી માર્યા ગયાના સમાચાર આવ્યા છે.
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં રાજાભાટ ખાવા ખાતે માલગાડી સાથે અથડામણમાં ત્રણ હાથીઓના મોત થયા હતા. રાજ્યના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ત્રણ હાથી રાજાભાટ ખાવા ખાતે રેલ કોરિડોર પાર કરી રહ્યા હતા ત્યારે સિલિગુડી જતી ટ્રેનની હડફેટે આવ્યા હતા. રેલવે અને રાજ્યના વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટના બાદ લાંબા સમય સુધી ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી.
ગુડ્સ ટ્રેનનું એન્જિન તપાસ માટે જપ્ત કરવામાં આવ્યું છે. દુર્ઘટના સમયે આલ્કોહોલના નશામાં હતો કે નહીં તે તપાસવા માટે લોકો-પાયલોટની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં, રેલ્વેએ હાથી કોરિડોરમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પર ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ્સ (IDS) સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી, જેથી રેલ્વે ટ્રેકની નજીક હાથીઓની હાજરીના કિસ્સામાં લોકો-પાયલોટને ચેતવણી આપી શકાય. આ વર્ષે ઓગસ્ટમાં પશ્ચિમ બંગાળમાં એક ગર્ભવતી હાથણીનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. આ સંદર્ભે રેલ્વે અને રાજ્યના વન વિભાગના અધિકારીઓ વચ્ચે ચર્ચાના અનેક રાઉન્ડ થયા છે. જોકે તેમ છતાં ફરી અકસ્માત થયો છે અને ત્રણ હાથીના જીવ ગયા છે.
તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં 7 હાથીઓના મોતની ઘટનાઓની નોંધ લીધી છે. અહીં હાથીઓનું વીજ કરંટથી મોત થયું હતું. આ સંદર્ભમાં, મંત્રાલયે કહ્યું છે કે તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોએ વિસ્તારોની મુલાકાત લીધી છે અને ઘટનાઓ વિશે માહિતી એકત્રિત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાથદાંત સહિતના હાથીના અવયવોની વૈશ્વિક બજારમાં ઘણી માગ હોય છે અને આ કરોડોનો વેપાર છે, આથી કોઈ ષડયંત્ર છે કે નહીં તે પણ તપાસનો વિષય બને છે.