આ ખાસ વસ્તુ પીને પીએમ મોદીએ ખોલ્યા 11 દિવસના ઉપવાસ..
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસનું અઘરું અનુષ્ઠાન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમણે યમ નિયમોનું પાલન કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી ગોવિંગ દેવગિરી મહારાજે કહ્યું હતું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉપવાસ છોડાવવા માટે પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પિવડાવવાનું વિચાર્યું હતું, પરંતુ મોદીજી એ માટે સહમત નહોતા થયા.
ગોવિંદ દેવ ગિરી મહારાજે જણાવ્યું હતું કે પીએમ મોદીએ ઉપવાસ છોડવા માટે રામના ચરણામૃતની માગણી કરી હતી અને આખરે પીએમ મોદીએ રામના ચરણામૃતથી ઉપવાસ છોડ્યો હતો. ગોવિંદ દેવ ગિરી મહારાજે આગળ એવું પણ જણાવ્યું હતું કે પીએમ મોદીને ચરણામૃત આપતી વખતે ખૂબ જ સુખદ અનુભૂતિ થઈ રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે હું મારા દીકરાને જ ચરણામૃત આપીને ઉપવાસ તોડાવી રહ્યો છે. એટલું જ નહીં અમે તો તેમને 3 દિવસનો જ ઉપવાસ રાખવાનું કહ્યું હતું પણ તેમણે જ 11 દિવસનું પૂરું અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 12થી 22મી જાન્યુઆરી એમ કુલ 11 દિવસનું અઘરું અનુષ્ઠાન કર્યું હતું અને આ દરમિયાન તેમણે માત્ર નારિયેળના પાણીનું સેવન કર્યું હતું. એટલું જ નહીં તેઓ જમીન પર સૂતા હતા અને આ દરમિયાન તેમણે 40 નિયમોનું પાલન કર્યું હતું.
પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં લેવામાં આવતા સંકપ્લમાં ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ 11 દિવસ દરિયાન તેમણે મીઠાનું સેવન સદંતર બંધ કર્યું હતું અને 11 દિવસમાં મન અને વાણીના અનેક નિયમોનું પાલન પણ તેમણે કર્યું હતું. પીએમ મોદીએ રામાયણ સાથે સંકળાયેલા ચાર રાજ્યના સાત મંદિરોમાં દર્શન અને પૂજા પણ કરી હતી. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, ગો સેવા કરવી જેવા નિયમોનો પણ સમાવેશ થાય છે.