દિલ્હી બાદ બેંગલુરૂની 40 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ

બેંગલુરૂઃ ભારતમાં અત્યારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આજે દિલ્હી બાદ બેંગલુરૂની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે સવારે શાળાના સંચાલકને બોમ્બની ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે roadkill 333@atomicmail.io નામની ઈમેઈલ આઈડીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે શાળાના દરેક ખૂણાની તપાસ કરી હતી. પરંતુ અત્યાર સુધી તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી
વિગતે વાત કરવામાં આવે તો, રાજરાજેશ્વરી નગર અને કેંગેરી સહિત ઘણા વિસ્તારોની શાળાઓને ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આવી ધમકી મળ્યાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને તપાસ શરૂ કરી દીધી હતી. પરંતુ કોઈ જગ્યાએ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. પરંતુ આખરે આવી ધમકીઓ કોણ આપી રહ્યું છે? એક જ દિવસમાં આટલી ધમકીઓ? આ દરેક ધમકી કોઈ એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે કે, તેની પાછળ મોટું ષડયંત્ર છે? તે મામલે પોલીસ તેમની ટેકનિકલ ટીમને સાથે રાખીને તપાસ કરી રહી છે.
આપણ વાંચો: ઉધમપુર નજીક રોડ અકસ્માત, પાંચ અમરનાથ યાત્રી ઘાયલ
ધમકીભર્યા મેઈલમાં શું કહેવામાં આવ્યું હતું?
શાળાઓને મળેલા ધમકીભર્યા ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘સ્કૂલના વર્ગખંડોમાં ટ્રાઇનિટ્રોટોલ્યુએન (TNT) થી બનેલા વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. પ્લાસ્ટિકની થેલીઓમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા છે, જે ગમે ત્યારે વિસ્ફોટ થશે’. આ ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ બેંગલુરુ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. સ્કૂલની બહાર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્કૂલના તમામ રૂમ, રમતના મેદાન, બેન્ચ, ઓફિસ ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ એક પણ જગ્યાએથી શંકાસ્પદ મળી નથી. છતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે.