
કાબુલ: અફઘાનિસ્તાનમાં મોડી રાતના ભૂકંપને કારણે મોટી જાનહાનિના સમાચાર છે. ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં મોડી રાતના 6.3 તીવ્રતાથી લઈને 5 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જેનાથી લોકો અડધી રાતના દોડાદોડી થઈ ગઇ હતી. ધરતીકંપની અસર પાકિસ્તાનમાં અબોટાબાદ અને ભારતમાં દિલ્હી સુધી થઈ છે.
યુએસ જિયોલોજિકલના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી આશરે 36 કિલોમીટર દૂર હતું. ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે, એમ અહેવાલમાં જણાવ્યું છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે રાતના 12.47 વાગ્યાના સુમારે પહેલો આંચકો નોંધવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6 રિકટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર 160 કિલોમીટર નીચે હતું. એના પછી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.
મોડી રાતના અનુભવવામાં આવેલા એક પછી એક આંચકા આ પ્રમાણે નોંધાયા છે. રવિવારે રાત્રે 12.47 વાગ્યે 6.03ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
એના પછી બીજો આંચકો રાતના 1.08 વાગ્યે 4.07ની તીવ્રતાનો ભૂકંપ. એના પછી રાતના 1.59 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ. ઉપરાત, રાતના 3.03 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ. સોમવારે સવારે 5.16 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
અહીં એ જણાવવાનું કે અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર 2023માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં 4,000 લોકોના મોત થયા હતા.