અદાણી બનાવશે ભારત માટે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ? 15 હજાર કરોડનો ખર્ચ થશે | મુંબઈ સમાચાર
નેશનલ

અદાણી બનાવશે ભારત માટે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ? 15 હજાર કરોડનો ખર્ચ થશે

ભારત હવે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ભારત જાતે વસ્તુઓનું ઉત્પાદન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં હવે લશ્કરી ક્ષેત્રમાં પણ ભારત સ્વનિર્ભર થવા માટે કાર્ય કરી રહ્યું છે. ગૌતમ અદાણીની કંપની હવે ફાઇટર જેટ બનાવવાની છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સંરક્ષણ મંત્રાલયના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામમાં પોતાની ભાગીદારીની પુષ્ટિ પણ કરી દીધી છે, જે ભારતના મુખ્ય પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ છે.

એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ શું છે?

આ અંગે વાત કરતા અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીના CEO આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ હાલમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ તબક્કામાં છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં તેની વિગતો જાણકારી આપવામાં આવશે. એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ કોના ફાળે જશે તેના માટે 30 સપ્ટેમ્બર સુધીમાં નક્કી થઈ જશે. આ પ્રોજેક્ટ આગામી 10 વર્ષ સુધીના વિકાસકાર્યનો છે. આ પ્રોજેક્ટ દ્વારા 2035 સુધીમાં ભારતીય વાયુસેનામાં પહેલું ફાઇટર એરક્રાફ્ટ જોડાય તેવી અપેક્ષા છે.

અદાણી ડિફેન્સે આ કંપનીઓ પણ પોજેક્ટની રેસમાં

મહત્વની વાત એ છે કે, આ પ્રોગ્રામ માટે અદાણી ડિફેન્સે પોતાનો રસ દાખવ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટ માટે અરજી કરવાની રેસમાં અદાણી ડિફેન્સ સાથે સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, એલ એન્ડ ટી, મહિન્દ્રા એરોસ્પેસ, ડાયનેમિક ટેક્નોલોજીસ, ભારત ફોર્જ, આઝાદ એન્જિનિયરિંગ, ગોદરેજ એરોસ્પેસએ પણ રસ દાખવ્યો છે.

અદાણી ડિફેન્સ આ વસ્તુઓનું ઉત્પાદન કરે છે

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપની અત્યારે સંરક્ષણ અને એરોસ્પેસ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. જેમાં ખાસ કરીને ડ્રોન, સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલી, મિસાઇલ, નાના શસ્ત્રો અને રડાર તેમજ ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમનો સમાવેશ થાય છે. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને લડાકુ વિમાન બનાવશે. આ પ્રોજેક્ટમાં પહેલા તબક્કામાં 15,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

આ 5મી પેઢીના ફાઇટર જેટ કેમ ખાસ ગણવામાં આવે છે?

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO-Defence Research and Development Organisation) હેઠળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA-Aeronautical Development Agency) દ્વારા સંચાલિત AMCA (Advanced Medium Combat Aircraft) પ્રોજેક્ટ, ભારતનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી ફાઇટર એરક્રાફ્ટ વિકાસ પ્રોજેક્ટ સાબિત થવાનો છે. આ પ્રોજેક્ટમાં બે એન્જિન વાળા 5મી પેઢીના સ્ટીલ્થ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ બનાવવામાં આવશે. આ ફાઇટર એરક્રાફ્ટને એવી રીતે બનાવવામાં આવશે કે જે હવાઈ હુમલો, જમીની હુમલો અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ મિશન કરવા સક્ષમ છે. આ ફાઇટર એરક્રાફ્ટ દુશ્મન દેશના રડારથી બચવા માટેની ટેક્નોલોજીથી સજ્જ હશે. અત્યારે આવા ફાઇટર એરક્રાફ્ટ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે.

આ પણ વાંચો…ગૌતમ અદાણીની પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત, આ મુદ્દે ચર્ચાઓ તેજ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button