સ્ટેટ બેંકમાંથી કર્મચારીઓએ જ કરોડોના દાગીના, રોકડ તફડાવી લીધાં

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાનંદા નગર સ્થિત ભારતીય સ્ટેટ બેંક (SBI)ની શાખામાં કરોડો રૂપિયાના સોના અને રોકડની ચોરીની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બેંકનો જ એક કર્મચારી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં પોલીસે CCTV ફૂટેજની મદદથી આરોપીઓને ઝડપી લીધા અને ચોરાયેલી માલમિલકત પણ જપ્ત કર્યા છે.
આ મામલે ઉજ્જૈન પોલીસે મંગળવારે રાત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા છે. આરોપીઓમાં બેંકનો કોન્ટ્રાક્ટ કર્મચારી જય ભાવસાર પણ સામેલ છે, જેણે પોતાના ચાર સાથીઓ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 5 કરોડ રૂપિયાનું સોનું અને 8 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા છે. આ ચોરી સોમવારની રાત્રે થઈ હતી, જેમાં બેંકના લોકરમાંથી સોનું અને રોકડ ચોરાયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે CCTV ફૂટેજની તપાસ દરમિયાન જાણ્યું કે બે ચોર બેંકની દીવાલ ફાંદીને અંદર ઘૂસ્યા અને સીડીઓ દ્વારા ઉપરના માળે જઈને લોકરના તાળા ખોલીને સોનું અને રોકડ ચોરી લીધા. ન તો તાળું તૂટ્યું કે ન તો તિજોરીને નુકસાન થયું, જેના કારણે પોલીસને બેંકના કર્મચારીની મિલીભગતની શંકા હતી. જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. જે બાદ સામે આવ્યું કે ચોરાયેલું સોનું એવા લોકોનું હતું, જેમણે બેંકમાં ઘરેણાં ગીરવે રાખીને લોન લીધી હોય.
સૂત્રોની જાણકારી પ્રમાણે આ મામલે બેદરકારી દાખવવા બદલ બેંક મેનેજર અને બે અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચોરીનો ખુલાસો કરનારી પોલીસ ટીમને 30,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે, અને પોલીસ આગળની તપાસમાં બેંકની આંતરિક વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરી રહી છે.
આપણ વાંચો: હવે તમારા લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ GST FREE.. જાણો કેટલા બચાવશો પૈસા