એક ઓક્ટોબર 2025થી તમામ ટ્રકમાં એસી કેબિન ફરજિયાત રહેશે…

નવી દિલ્હી: દેશમાં ઘણા મોટા પ્રમાણમાં સામાન લાવવા લઇ જવા માટે ટ્રકોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આજ ટ્રકોની સ્થિતિ એટલી ખરાબ હોય છે કે તો ઠંડી, ગરમી અને વરસાદની સિઝનમાં તો ડ્રાઇવર માટે ટ્રક ચલાવવી અઘરી પડે છે.
આ જોતા ભારત સરકારે તમામ ટ્રકોમાં એસી કેબિન ફરજિયાત બનાવી છે. માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે 2025થી તમામ નવી ટ્રકોમાં ડ્રાઈવરો માટે ફેક્ટરી ફીટ એસી કેબિન હોવી ફરજિયાત રહેશે. છેલ્લા પાંચ વર્ષમાં અનેક પ્રયાસો બાદ આખરે સરકારે અમલીકરણની તારીખ નક્કી કરી છે. આ નિયમનો અમલ એક ઓક્ટોબર 2025ના રોજથી શરૂ કરવામાં આવશે અથવા તો જે ટ્રકો હાલમાં રસ્તા પર ચાલી રહી છે તેમાં N2 અને N3 કેટેગરીની ટ્રકોની કેબિનમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
સાત ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે એર કન્ડીશનીંગ સિસ્ટમથી સજ્જ કેબિનોનું પરીક્ષણ નોટિફાઈડ ઓટોમોટિવ સ્ટાન્ડર્ડ્સ મુજબ થશે. તેમાં N2 અને N3 શ્રેણીના કોમર્શિયલ વાહનોનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ નિયમ લાગૂ થવાથી ટ્રક ઉત્પાદકો માટે એસી સિસ્ટમથી સજ્જ કેબિન સાથે ટ્રક વેચવાનો માર્ગ પણ મોકળો કરશે. નોંધનીય છે કે એક બિન-લાભકારી સંસ્થાએ 2020માં 10 રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોનો સર્વે કર્યો હતો, જેમાં લગભગ અડધા ટ્રક ડ્રાઈવરોએ સ્વીકાર્યું હતું કે તેઓ થાકેલા કે ઊંઘમાં હોય ત્યારે પણ ટ્રક ચલાવે છે.
N2 કેટેગરીના વાહનો એટલે કે એવા વાહનો જે ભારે માલસામાનનું વહન કરે છે. જેનું કુલ વજન 3.5 ટનથી વધુ અને 12 ટનથી ઓછું હોય છે.
N3 કેટેગરીમાં એવા ભારે માલસામાન વાહનોનો સમાવેશ થાય છે જેનું કુલ વજન 12 ટનથી વધુ હોય છે.