આમ આદમી પક્ષ પણ રમે છે હિંદુ કાર્ડઃ ગુરુનાનક જયંતીએ જાહેર કરી મોટી યોજના

નવી દિલ્હીઃ દેશમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકાર સત્તામાં આવતા હિન્દુત્વના નારા લગાવવામાં આવી રહ્યા છે અને હવે સૌકોઈ હિન્દુ કાર્ડ રમવા લાગ્યા છે, કારણ કે હિન્દુ મતદારોને આકર્ષવા જરૂરી બની ગયા છે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) પણ પાછળ પડી નથી અને તેમણે પણ આજે તીર્થયાત્રાની સ્કીમનું એલાન કરી દીધું છે. આજે ગુરુનાનક જયંતી છે ત્યારે પક્ષના સ્થાપક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબમાં સૌથી મોટી જાહેરાત કરી છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કે ગુરુ નાનકજીનો સૌથી મોટો સંદેશ એ હતો કે આપણે ગરીબો અને પીડિતોની સેવા કરવી છે. આ સંકલ્પ સાથે અમે અમારી સરકારો ચલાવી રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને સંગરુરમાં ધુરીની જાહેર સભામાં કહ્યું હતું કે ગુરુ નાનક જયંતિના આ પવિત્ર દિવસે અમે પંજાબમાં મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના શરૂ કરી રહ્યા છીએ. આ અંતર્ગત મુસાફરી, ખાણી-પીણીનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. દર અઠવાડિયે એક ટ્રેન યાત્રાળુઓને લઈ જશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે આ સિવાય એસી બસો દ્વારા પણ તીર્થયાત્રા કરવામાં આવશે. દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ એક પણ સરકારે આ રીતે નિ:શુલ્ક તીર્થયાત્રા કરાવી નથી. અમે દિલ્હીમાં 80 હજાર લોકોને મફતમાં તીર્થયાત્રા કરાવી છે અને આજે સોમવારથી પંજાબમાં પણ તેની શરૂઆત થઈ રહી છે.
તીર્થયાત્રા ટ્રેન આજે અમૃતસરથી નાંદેડ સાહિબ માટે રવાના થશે. દિલ્હી બાદ હવે પંજાબમાં પણ મફત તીર્થયાત્રાની યોજના શરૂ કરવામાં આવી રહી છે. તીર્થયાત્રા યોજના હેઠળ ભક્તોનો પ્રથમ ટુકડી પંજાબ જવા રવાના થઈ હતી. આ અગાઉ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની પ્રચારસભાઓમાં પણ કેજરીવાલે આ પ્રકારની યોજનાની વાત કરી હતી.