આધાર કાર્ડ ભારતની નાગરિકતાનો પુરાવો નથી તો ક્યા ડોક્યુમેન્ટના આધારે નાગરિકતા મળે ?

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ નાગરિકતા સાબિત કરવાનો દસ્તાવેજ નથી. બિહારમાં મતદાર યાદીના સુધારણા (SIR)ને લઈને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી અને તેની તપાસ જરૂરી છે. બોમ્બે હાઈકોર્ટે પણ આવી જ ટિપ્પણી કરી છે, જેનાથી આધાર, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા દસ્તાવેજોની નાગરિકતા સાબિત કરવાની ક્ષમતા પર સવાલ ઉભા થયા છે.
બોમ્બે હાઈકોર્ટે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત આવેલા એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે આધાર, પાન કાર્ડ કે વોટર આઈડી માત્ર ઓળખપત્ર અથવા સેવાઓનો લાભ લેવા માટેના દસ્તાવેજો છે. આ દસ્તાવેજો ધરાવવાથી કોઈ વ્યક્તિ ભારતનું નાગરિક બનતું નથી. આ ટિપ્પણી સાથે હાઈકોર્ટે બાંગ્લાદેશી નાગરિકની જામીન અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ બિહારની સુનાવણીમાં સ્પષ્ટ કર્યું કે આધાર એક્ટમાં પણ તેને નાગરિકતાનો પુરાવો ગણવામાં આવતો નથી.
નાગરિકતા શું છે?
નાગરિકતા એ એક ખાસ અધિકાર છે, જે કોઈ દેશ તેના નાગરિકોને આપે છે. જેમાં કાનૂની અધિકારો, નોકરીનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર સામેલ છે. ભારતમાં નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ નાગરિકતા આપવામાં આવે છે અને તેને રદ પણ કરી શકાય છે. આ કાયદા મુજબ, ભારત બેવડી નાગરિકતાને માન્યતા આપતું નથી, એટલે કે ભારતનું નાગરિક બીજા દેશનું નાગરિક નથી બની શકતું.
નાગરિકતા મેળવવાની પ્રક્રિયા
નાગરિકતા અધિનિયમ 1955 મુજબ, જો કોઈ વ્યક્તિ ભારતમાં જન્મેલી હોય, તો તે નાગરિકતા મેળવી શકે છે. 1 જુલાઈ 1987 પછી જન્મેલી વ્યક્તિના માતા-પિતામાંથી એક ભારતનું નાગરિક હોવું જોઈએ. વિદેશમાં જન્મેલા બાળકના માતા-પિતામાંથી એક ભારતીય નાગરિક હોય તો, બાળકનું એક વર્ષની અંદર ભારતીય દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ ઉપરાંત, નેચરલાઈઝેશન દ્વારા અથવા જમીન વિસ્તરણ દ્વારા પણ નાગરિકતા મેળવી શકાય છે, જેમાં ચોક્કસ શરતોનું પાલન કરવું પડે છે.
નાગરિકતા સાબિત કરવાના દસ્તાવેજો
નાગરિકતા સાબિત કરવા માટે આધાર, પાન, વોટર આઈડી કે રેશન કાર્ડ પૂરતા નથી. આ માટે જન્મ પ્રમાણપત્ર અથવા ડોમિસાઈલ (નિવાસ પ્રમાણપત્ર) જરૂરી છે. જન્મ પ્રમાણપત્ર ગ્રામ પંચાયત, નગરપાલિકા કે નગર નિગમ દ્વારા જાહેર કરવામાં આવે છે. જો જન્મ પ્રમાણપત્ર ન હોય, તો સ્થાનિક જન્મ અને મૃત્યુ નોંધણી કાર્યાલયમાંથી નોન-અવેલેબિલિટી સર્ટિફિકેટ લઈને જન્મ પ્રમાણપત્ર બનાવી શકાય છે. ડોમિસાઈલ મેળવવા માટે રાજ્યમાં ત્રણ વર્ષ રહેવું જરૂરી છે, જે પરિવાર રજિસ્ટર, જન્મ પ્રમાણપત્ર કે શાળાના પ્રમાણપત્ર દ્વારા બનાવી શકાય છે.
આપણ વાંચો: DRDOના ગેસ્ટ હાઉસમાંથી ISI એજન્ટ ઝડપાયો, સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો…