નેશનલ

“સીમા હૈદરે કાળો જાદુ કરે છે” સુરેન્દ્રનગરના યુવકે સીમા હૈદર પર હુમલો કરતાં ખળભળાટ

નોઈડા: પાકિસ્તાનથી લગ્ન કરીને ભારત આવેલી સીમા હૈદર પહેલગામ હુમલા બાદ ચર્ચાના કેન્દ્રમાં છે. જો કે હવે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનાં અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. આ હુમલો સુરેન્દ્રનગરના એક યુવકે કર્યો હતો. જો કે સીમાએ બૂમો પાડતા પરિવાર અને આજુબાજુના લોકોએ પહોંચીને તેને બચાવી લીધી હતી.

યુવક ગુજરાતથી સીમાના ઘરે પહોંચ્યો

મળતી વિગતો અનુસાર પાકિસ્તાનથી ભારત આવેલ સીમા હૈદર ભારત અને પાકિસ્તાન બંને મીડિયામાં સતત ચર્ચાના કેન્દ્રમાં રહી છે. ત્યારે હવે તેના પર ગુજરાતના એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનાં અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. સીમા હૈદર પર હુમલો કરનારા યુવકની ઓળખ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી તેજસ જાની તરીકે થઈ છે. તેજસ ગુજરાતથી ટ્રેન દ્વારા દિલ્હી અને ત્યાંથી સીમાના ઘરે પહોંચ્યો હતો.

લોકોએ માર મારીને પોલીસને સોંપ્યો

શનિવાર સાંજે આ યુવક સીમાના ઘરે પહોંચ્યો હતો અને ઘરના દરવાજાના લાત મારીને ખોલીને આરોપીએ પહેલા સીમાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ત્રણ-ચાર થપ્પડો મારી હતી. જો કે સદનસીબે સીમાએ બૂમો પાડતા પરિવારજનો અને પાડોશીઓ દોડી આવ્યા હતા. સૌપ્રથમ તો લોકોએ આરોપીને પકડીને પહેલાં માર માર્યો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.

સીમા કાળો જાદુ કરી રહ્યા હોવાનું નિવેદન

પોલીસની તપાસ દરમિયાન તેજસે આપેલા નિવેદનથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોલીસને કહ્યું હતું કે સીમા હૈદર અને તેનો સાથી સચિન તેના પર કાળો જાદુ કરી રહ્યા છે. હાલમાં પોલીસ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું છે. પોલીસે આરોપીના પરિવારને તેની ધરપકડની જાણ કરી છે અને આરોપીના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ પણ ચકાસી રહી છે, જેથી તેનું સીમા સુધી પહોંચવાનું કારણ અને અન્ય કોઈ સંડોવણી હતી કે કેમ તે જાણી શકાય.

આ પણ વાંચો:  હું મારા બાળકો માટે લડતો રહીશ! પાકિસ્તાનથી ગુલામ હૈદરે ફરી શેર કર્યો વીડિયો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button