દારૂ પીને બસમાં ચઢી મહિલા અને પછી થયું કંઈક એવું કે…
હૈદરાબાદઃ હૈદરાબાદ ખાતેની પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન બસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા પ્રવાસી બસ કંડક્ટરને ગાળો આપતી અને મારતી જોવા મળી રહી છે. આ વીડિયો તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન (TSRTC)નો છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલો આ વીડિયો બસમાં જ પ્રવાસ કરી રહેલાં એક અન્ય પ્રવાસી દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા પ્રવાસી દારૂના નશામાં ધૂત કંડક્ટરને ગાળો ભાંડતી અને મારતી જોવા મળી રહી છે. આ મહિલા દારુના નશામાં હોવાનું વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે. કોઈ મુદ્દે મહિલા પ્રવાસી અને કંડક્ટર વચ્ચે બોલાચાલી થાય છે. એટલું જ નહીં મહિલા પ્રવાસી અન્ય સહપ્રવાસીઓ સાથે પણ ઉદ્ધતાથી વર્તન કરતી જોવા મળે છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ટિકિટ ભાડાના મુદ્દે મહિલા અને કંડક્ટર વચ્ચે વાદ-વિવાદ થયો હતો. દરમિયાન મહિલાએ કંડક્ટરને ગાળો આપવાનું અને મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ TSRTC દ્વારા મહિલા પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાયદા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતી તપાસ સંસ્થાઓ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.