કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (CASO) દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે.
હાલ મળી રહેલી વિગતો અનુસાર સવારે લગભગ 7 વાગ્યે સુરક્ષા દળોને છતરુના શિંગપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોનો આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. એવી માહિતી મળી હતી કે આ વિસ્તારમાં ચાર આતંકવાદીઓ છુપાયેલા હતા.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરએ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “આજ સવારે કિશ્તવાડના છતરુમાં પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ મળી આવ્યા છે.
આ માટે જવાનોનો વધુ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. વ્હાઈટ નાઈટ કોર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “સર્ચ ઓપરેશનમાં ગોળીબાર ચાલુ છે. ગોળીબારમાં એક બહાદુર જવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તબીબી પ્રયાસો છતાં તે શહીદ થયો છે.”
આપણ વાંચો: ભારત-મ્યાનમાર બોર્ડર પર ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, 10 ઉગ્રવાદી ઠાર
એન્કાઉન્ટર હજુ પણ યથાવત
ઉલ્લેખનીય છે કે સૈફુલ્લાહ સહિત ચાર આતંકવાદીઓના એક જૂથને સુરક્ષા દળોએ છતરુના જંગલોમાં ઘેરી લીધું હતું. વધારાના સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે અથડામણ સ્થળ સુધી પહોંચવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર હજુ પણ યથાવત છે.