અયોધ્યાના રામમંદિર પર લહેરાતી ધર્મધજા કોણે બનાવી અને વિશેષતા જાણો?

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસમાં વધુ એક ગૌરવશાળી અધ્યાય ઉમેરાયો છે. વિવાહ પંચમીના શુભ દિવસે અભિજીત મુહૂર્તમાં મંદિરના શિખર પર ધર્મ ધજાનું વિધિવત આરોહણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ શાસ્ત્રીય પરંપરા પૂરી થતાં જ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં શ્રદ્ધા અને આનંદની લાગણી છવાઈ ગઈ હતી, જે રામ મંદિરના નિર્માણના કાર્યમાં એક મોટું સીમાચિહ્ન સાબિત થયું છે.
મંદિરના શિખર પર જે ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે, તે ખાસ ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. આ ધર્મધજાનું નિર્માણ અમદાવાદમાં સ્થિત એક પેરાશૂટ ઉત્પાદક કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજાને તૈયાર કરવામાં આખી ટીમને પૂરા 25 દિવસ જેટલો સમય લાગ્યો હતો. ધજા બનાવવા માટે ખાસ પેરાશૂટ-ગ્રેડ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે સૂર્યપ્રકાશ, ભારે વરસાદ અને 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપના પવન સહિત તમામ કુદરતી પડકારોનો લાંબા સમય સુધી સામનો કરી શકે અને મજબૂતીથી લહેરાતો રહે.
અહેવાલ મુજબ તેની મજબૂતી અને સ્થિરતા જાળવવા માટે પ્રીમિયમ સિલ્ક થ્રેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધજાની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપતા પહેલા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની સલાહ પણ લેવામાં આવી હતી.
આ ધર્મ ધજા માત્ર મજબૂત જ નથી, પણ અનેક ધાર્મિક પ્રતીકોથી સુસજ્જ છે. ધજામાં પવિત્ર ‘ॐ’નું પ્રતીક અંકિત કર્યું છે, જે આધ્યાત્મિકતા અને બ્રહ્માંડની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત, ધ્વજ પર કોવિદાર વૃક્ષની આકૃતિ પણ છે. કોવિદાર વૃક્ષને હિંદુ ધર્મમાં પવિત્રતા, સમૃદ્ધિ અને રામરાજ્યના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ ધજાને 42 ફૂટ ઊંચા, ફરતા પોલ પર નાયલોનની દોરડી અને સ્વયંચાલિત હોઇસ્ટિંગ સિસ્ટમની મદદથી સ્થાપિત કરવામાં આવી છે, જે દરેક સિઝનમાં ધજાને સ્થિરતાપૂર્વક ફરકાવશે.
ધર્મધજાના આરોહણના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને એક વિશેષ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના પરિસરમાં માત્ર રામલલા જ નહીં, પરંતુ અન્ય અનેક ઋષિ-મુનિઓ અને ભક્તોના મંદિરો પણ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, અહીં એક જ સ્થાને માતા અહલ્યા, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય અને સંત તુલસીદાસના દર્શન પણ થાય છે, જેને ‘સપ્ત મંદિર’ તરીકે ઓળખવામાં આવે છે.
પીએમ મોદીએ દેશવાસીઓને આ સપ્ત મંદિરોના દર્શન કરવા વિનંતી કરી હતી. તેમણે જટાયુજી અને ખિસકોલીની મૂર્તિઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ મૂર્તિઓ મોટા સંકલ્પોની સિદ્ધિ માટે નાનામાં નાના પ્રયાસના મહત્વને દર્શાવે છે અને રામ ભેદથી નહીં પણ ભાવથી જોડાય છે.



