મરઘીઓ લઈને જતી પિકઅપ વાનને અકસ્માત નડ્યો, લોકો મરઘીઓ લુંટી ગયા

આગ્રા: ભારતીયો મફતમાં મળતી કોઈપણ વસ્તુનો લાભ ઉઠાવવાનું ચુકતા નથી. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રા બન્યો હતો. અહીં બુધવારે સવારે ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર ટ્રક અને પીકઅપ વાન અથડાયા હતા. આ એકસીડન્ટ બાદ એક પછી એક બીજા ઘણા વાહનો પણ અથડાયા હતા. અકસ્માત ગ્રસ્ત પીકઅપ વાનમાં મરઘાઓ હતા, હાઈવે પરથી પસાર થતા લોકો તકનો લાભ લઇ મરઘા ચોરી ગયા હતા.
અકસ્માતમાં પીકઅપ વાનના ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ માલિક પીકઅપ વાનમાં રાખેલી મરઘીઓને લઈ જવા માટે અન્ય કોઈ વાહન મોકલે તે પહેલા હાઈવે પરથી પસાર થતા લોકો મરઘીઓને પકડીને ભાગી છૂટ્યા હતા.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકો પીકઅપ વાનમાં રહેલી મરઘીઓને બહાર કાઢીને થેલીઓમાં મૂકીને ત્યાંથી લઇ જઈ રહ્યા છે. મરઘીઓને લઇ જવા માટે લોકોમાં પડાપડી થઇ હતી.
અહેવાલો અનુસાર, ગાઢ ધુમ્મસના કારણે થયેલા સંખ્યાબંધ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે અને ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરવા અને રસ્તો સાફ કરવા માટે ક્રેન્સ બોલાવવામાં આવી છે.