એક રત્ન જે આપણે બહુ જલ્દી ગુમાવી દીધું…
આપણા પૂર્વ રક્ષા પ્રધાન મનોહર પર્રિકરને તેમની જન્મજયંતિ પર સ્મરણાંજલિ
આજના આપણા બર્થ ડે વિશેષમાં આપણા પૂર્વ રક્ષા પ્રધાનને યાદ કરીએ, જેઓ સ્કૂટર પર જ વિધાનસભામાં જતા હતા, પોતાના મોબાઈલ અને વીજળીનું બિલ પણ પોતે જ ચૂકવતા હતા અને અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા હતા.
આપણે વાત કરી રહ્યા છીએ દેશના પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરની. 17 માર્ચ 2019ના રોજ સ્વાદુપિંડના કેન્સરની સામેનો જંગ તેઓ હારી ગયા. મનોહર પર્રિકરનો જન્મ માપુસામાં થયો હતો. તેમના પિતાનું નામ ગોપાલકૃષ્ણ અને માતાનું નામ રાધાબાઈ હતું. તેમનું પૂરું નામ મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પર્રિકર હતું. પર્રિકરના બીજા ભાઈ અવધૂત પર્રિકર છે.
પર્રિકરનું પ્રારંભિક શિક્ષણ માર્મગાંવની શાળામાંથી થયું હતું. તેમણે મરાઠી માધ્યમની શાળામાંથી માધ્યમિક ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમણે 1978માં બોમ્બે IITમાંથી મેટલર્જિકલ ટ્રેડમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી, પણ સમાજસેવી દિલ હોવાને નાતે રાજકારણમાં ઝુકાવ્યું. મનોહર પર્રિકરે વર્ષ 1981માં મેધા પર્રિકર સાથે લગ્ન કર્યા હતા. મેધા પર્રિકરનું પણ 2001માં કેન્સરને કારણે અવસાન થયું હતું.
મનોહર પર્રિકર વર્ષ 2000માં પ્રથમ વખત ગોવાના મુખ્ય પ્રધાન બન્યા હતા. પર્રિકર કોઈ રાજ્યના મુખ્ય પ્રધાન બનનાર પ્રથમ IIT વિદ્યાર્થી છે. તેઓ બિઝનેસ એડવાઇઝરી કમિટીના સભ્ય પણ હતા. વર્ષ 2014માં તેઓ દેશના સંરક્ષણ પ્રધાન બન્યા. તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. બાદમાં, તેમણે સંરક્ષણ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું અને ફરીથી ગોવાના મુખ્ય પ્રધાન બન્યા હતા.
મનોહર પર્રિકર ખૂબ જ સાદા વ્યક્તિ હતા. તેઓ મોટા ભાગે શર્ટ અને પેન્ટમાં જોવા મળતા હતા. લોકો તેમની સાદગી જોઈને લોકો દંગ રહી ગયા હતા.
આટલું જ નહીં, તેઓ પુત્રના લગ્નમાં હાફ શર્ટ, સિમ્પલ પેન્ટ અને સેન્ડલ પહેરેલા જોવા મળ્યા હતા. પર્રિકરને 16 થી 18 કલાક કામ કરવાની આદત હતી.
રાજકારણી હોવા છતાં તેઓ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતા. પર્રિકર હંમેશા ફ્લાઈટ્સમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા હતા. તેઓ કોઈપણ સંકોચ વિના જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હતા.
મનોહર પર્રિકર દેશના કેટલાક એવા નેતાઓમાંના એક હતા, જેઓ ક્યારેય કોઇ કૌભાંડમાં પકડાયા નહોતા.. આ સ્વચ્છ છબીના કારણે પીએમ મોદી પર્રિકરને ખૂબ પસંદ કરતા હતા. ભારતના આ મહાન રત્નને તેમના જન્મ દિવસે આપણે લાગણીભીની સ્મરણાંજલિ અર્પીએ.