ચૂંટણી પ્રક્રિયાના નિરીક્ષણ માટે ચાર દેશના આઠ લોકોનું પ્રતિનિધિમંડળ રાયગઢ પહોંચ્યું
બાંગ્લાદેશ, શ્રી લંકા, કઝાકિસ્તાન અને ઝિમ્બાબ્વેના પ્રતિનિધિઓનો સમાવેશ
અલીબાગઃ ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે ચાર દેશના આઠ સભ્યોનું પ્રતિનિધિમંડળ રાયગઢ પહોંચ્યું છે. તેઓ મંગળવારે રાયગઢ લોકસભા મતવિસ્તારની ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરશે. તેમાં બાંગ્લાદેશ, શ્રી લંકા, કઝાકિસ્તાન અને ઝિમ્બાબ્વેના પ્રતિનિધિઓ સામેલ છે.
આ પ્રતિનિધિઓ આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ હેઠળ રાયગઢ આવ્યા છે. તેમાં બાંગ્લાદેશના મોહમ્મદ મોનીરુઝમાન ટી અને જીએમ શાહતાબુદ્દીન નામના બે ચૂંટણી અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પ્રતિનિધિમંડળમાં નૂરલાન અબ્દિરોવ, કઝાકિસ્તાનના કેન્દ્રીય ચૂંટણી પંચના અયબાક ઝિકાન, શ્રીલંકાના ચૂંટણી પંચના સિલાયા હિલાક્કા પાસિલિના અને ઝિમ્બાબ્વે ચૂંટણી પંચના સિમ્બરાશે તોંગાઈ અને ન્યાયમૂર્તિ પ્રસિલા ચિગુમ્બા સામેલ છે. કલેક્ટર કિશન જાવલેએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.
ચાર દેશોના આઠ સભ્યોનું પ્રતિનિધિમંડળ મતદાન પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ, વહીવટી તૈયારીઓ, મતદાન પ્રક્રિયા અને વોટિંગ મશીનોના સંગ્રહનું અવલોકન અને અભ્યાસ કરશે અને મતદાન પ્રક્રિયા વિશે જાણવા માટે મતવિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેશે.
ઈન્ટરનેશનલ ઈલેક્શન વિઝિટર પ્રોગ્રામ ભારતના ચૂંટણી પંચ અને અન્ય દેશોની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ વચ્ચેના એમઓયુ હેઠળ લાગુ કરવામાં આવે છે. આ મુજબ દર પાંચ વર્ષે યોજાનારી ચૂંટણીમાં વિદેશી ચૂંટણી એજન્સીઓ અહીંની ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ અને નિરીક્ષણ કરવા ભારતમાં આવે છે. આ મુજબ તેમણે નિરીક્ષણ માટે મુંબઈ નજીક રાયગઢ લોકસભા મતવિસ્તારની પસંદગી કરી છે.