બીઆરએસનાં નેતાને ઝટકોઃ કે. કવિતાને સીબીઆઈની કસ્ટડીમાં
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસીના કેસમાં બીઆરએસનાં નેતા કે. કવિતાને કોર્ટે પંદર એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડી પાઠવી છે. તેલંગણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવનાં દીકરી કે. કવિતા છે, જ્યારે એક્સાઈઝ પોલીસિના કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ધરપકડ કર્યા પછી તિહાર જેલમાં કેદ છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નાં નેતા કે. કવિતાને આજે રાઉઝ એવન્યુ કોર્ટે પંદરમી એપ્રિલ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી છે. દિલ્હી લીકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાની સીબીઆઈએ ધરપકડ કરી હતી. કવિતાને ગુનાહિત ષડયંત્ર અને ખાતામાં હેરાફેરી-ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અમુક કલમ અન્વયે સીબીઆઈએ ધરપકડ કરી હતી. જોકે, આજે સીબીઆઈએ કોર્ટમાં બીઆરએસનાં નેતાનાં પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા.
આપણ વાંચો: BRS નેતા કે. કવિતા સામે હવે CBIની કાર્યવાહી
કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)એ 100 કરોડ રુપિયાની લાંચ લેવાની ગોઠવણ કરવામાં કવિતાનો મુખ્ય રોલ છે, જે મુખ્ય ષડયંત્ર કરનારા પૈકી એક છે.
જાણીતા બિઝનેસમેને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરાવી આપી હતી અને સીએમ કેજરીવાલને એક્સાઈઝની નીતિ મારફત સપોર્ટ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ કેસ સંબંધિત અનેક આરોપીના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. વકીલે કહ્યું હતું કે હોટેલ તાજમાં બેઠક પણ યોજવામાં આવી હતી.