200 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! 19 વર્ષના દેવવ્રત રેખેએ 50 દિવસમાં ‘દંડક્રમ પારાયણ’ કરી ઇતિહાસ સર્જ્યો

વારાણસી: દંડક્રમ પારાયણ એક કઠોર પરીક્ષા છે. જેને 200 વર્ષ પહેલા નાસિક ખાતે વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવ પાસ કરી હતી. 200 વર્ષ બાદ હવે એક 19 વર્ષના યુવાને માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ યુવાન કોણ છે અને દંડક્રમ પારાયણ શું છે, આવો જાણીએ.
દંડક્રમ પારાયણ શું છે
મહાદેવની પ્રિય નગરી કાશીના વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલય, રામઘાટ ખાતે 2 ઓક્ટોબર, 2025થી દંડક્રમ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. દંડક્રમ પારાયણ એ વેદ પઠનના 8 પ્રકારો પૈકીનો એક પ્રકાર છે, જેને સૌથી અઘરો માનવામાં આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યંદિનિ શાખાના લગભગ 2000 મંત્રોને દંડક્રમ પારાયણ કહેવામાં આવે છે. આ 2000 મંત્રોને પહેલા મોઢે કરીને તેને સંભળાવવાના હોય છે. તેથી તે એક કઠોર પરીક્ષા છે.
19 વર્ષીય યુવાને સર્જ્યો ઇતિહાસ
જોકે, આ પરીક્ષામાં 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ સફળતા મેળવી છે. વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ પૂરૂ કરીને રેકોર્ડ સર્જ્યો છે. 50 દિવસમાં દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ શૃંગેરી શંકરાચાર્ય દ્વારા સોનાનું કડું અને રૂ. 1,01,116 આપીને વેદમૂર્તિ દેવવ્રત રેખેનું સન્માન કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દેવવ્રત મહેશ રેખેને શુભેચ્છાઓ પાઠવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે, 19 વર્ષના દેવવ્રત મહેશ રેખેજીએ જે સિદ્ધિ મેળવી છે, તેના વિશે જાણીને મન પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. તેમની આ સફળતા આપણી ભાવી પેઢી માટે પ્રેરણા બનશે.
નિયમિત 4 કલાક અભ્યાસનું પરિણામ
વેદમૂર્તિ દેવવ્રત રેખે મહારાષ્ટ્રના અહિલ્યા નગરનો રહેવાસી છે. તેના પિતાનું નામ વેદબ્રહ્મશ્રી મહેશ ચંદ્રકાંત રેખે છે. દેવવ્રત રેખે સાંગવેદ વિદ્યાલય વારાણસીના બટુક છે. દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષા માટે દેવવ્રત રેખે નિયમિતપણે 4 કલાક અભ્યાસ કરતા હતા. મળતી માહિતી મુજબ તે દરરોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી અભ્યાસ કરતા હતા.



