
નવી દિલ્હીઃ શિયાળુ સત્રના 11મા દિવસે એક મોટી કાર્યવાહી થઇ છે. લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહમાંથી કુલ 78 સાંસદની સુરક્ષામાં ચૂકની ઘટના મુદ્દે હોબાળો તથા વિરોધ-પ્રદર્શન કરવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સુરક્ષામાં ચૂકની ઘટનાને 4 દિવસ થયા છે અને સતત ચોથા દિવસે પણ વિપક્ષ દ્વારા આ મુદ્દે ચર્ચા થાય તેવી માગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવતા લોકસભા સ્પીકર ઓમ બિરલા તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ કાર્યવાહી કરી હતી.
આમાંથી 3 ગુજરાતી સાંસદો શક્તિસિંહ ગોહીલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે.

આ પછી રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના 45 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 47 લોકસભા સાંસદને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયનને પણ 14 ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા છે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સંસદ ચૂકની આ ઘટના પર રાજનીતિ થઇ રહી છે. પહેલા ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. એ પછી કેન્દ્રીય સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંચાર બિલ રજૂ કર્યું હતું. એ પછી ફરી વિપક્ષના નેતાઓ દ્વારા બેનરો વડે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવવામાં આવ્યો. બપોરે 2 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સાંસદોના સસ્પેન્શનને પગલે ગૃહની કાર્યવાહી આવતીકાલ (મંગળવાર) સુધી સ્થગિત કરવામાં આવી હતી.
રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી સવારે 11-30 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી અને તે પછી વિપક્ષએ સૂત્રોચ્ચાર કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માગ કરી હતી. હોબાળો વધતા રાજ્યસભાના 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.