અયોધ્યા રામમંદિર પરિસરમાં વધુ 7 મંદિરોનું નિર્માણ થશે: મંદિર નિર્માણ કમિટી અધ્યક્ષ
રામ ભક્તો આતુરતાપૂર્વક જે અવસરની રાહ જોઈ રહ્યા હતા તે વેળાને હવે માત્ર એક દિવસની પણ નહીં ગણતરીની કલાકોની વાર છે. આવતીકાલ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે. તે અગાઉ જ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે એક મહત્વનુ નિવેદન આપ્યું છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે અભિષેકના પહેલાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આજે મંદિરના નિર્માણ કાર્યની તમામ વ્યવસ્થા જોવાની રહેશે. મિશ્રાએ કહ્યું છે કે મંદિરનું નિર્માણ 2024 સુધીમાં થઈ જશે. નૃપેન્દ્ર મિશ્રા શરૂઆતથી જ રામ મંદિર નિર્માણમાં જોડાયેલા છે.
નૃપેન્દ્ર મિશ્રાના કહેવા પ્રમાણે, મંદિરનું નિર્માણ સામાજિક સમરસતા સાથે થાય તે માટે પ્રયત્નો કરવા પડશે. આવી સ્થિતિમાં મંદિર નિર્માણ સમિતિ 23 જાન્યુઆરીથી નવા ઉત્સાહ અને નવી પ્રતિબદ્ધતા સાથે આ કામ શરૂ કરશે. રામ મંદિરના પ્રાંગણમાં વધુ સાત મંદિરો બનાવવામાં આવશે. આ કોનું મંદિર હશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
આપને જણાવી દઈએ કે નૃપેન્દ્ર મિશ્રા 2014 થી 2019 વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ હતા. તેઓ વર્ષ 1967ના ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે. તેમણે ઉત્તર પ્રદેશ તેમજ કેન્દ્રીય સ્તરે IAS અધિકારી તરીકે કામ કર્યું છે. મિશ્રાએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રવક્તા તરીકે પણ કામ કર્યું છે. આ સિવાય તેઓ ભારત સરકારમાં ટેલિકોમ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
આવતીકાલે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. આ મંદિર રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપનાર પાંચ જજોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સીવયા બીજા ઘણા મહાનુભાવો પણ આ પ્રસંગમાં સહભાગી થશે.