44 ફૂટ લાંબી રાખડી કર્નલ સોફિયાને કોણે સમર્પિત કરી? વાયરલ વીડિયો જુઓ

નાગપુર: રક્ષાબંધનના તહેવાર પર બજારમાં અવનવી રાખડીઓ જોવા મળે છે. ઘણા લોકો ઘરે પણ રાખડી બનાવતા હોય છે. જોકે, રક્ષાબંધનને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં શાળાના બાળકોએ મહારાષ્ટ્રની સૌથી મોટી રાખડી બનાવી છે. આ વિશાળ રાખડી ઓપરેશન સિંદૂર તેમજ મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખને સમર્પિત કરવામાં આવી છે. આ રાખડી દ્વારા ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, ટેકનોલોજીનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
રાખડીમાં દેશની જાણીતી હસ્તીઓના ફોટો
નાગપુરની લલિતા પબ્લિક સ્કૂલના નાના બાળકોએ વિશાળ રાખડી બનાવી છે. આ રાખડીની એક બાજુ કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનો ફોટો મૂકવામાં આવ્યો છે. રાખડીની બીજી બાજુએ મહિલા ચેસ બોર્ડ સાથે ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. સાથોસાથ આ વર્ષે Axiom 4 અવકાશ મિશનમાંથી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફરનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે.
નાના બાળકો દ્વારા બનાવવામાં આવેલી આ રાખડીની પહોળાઈ 34 ફૂટ અને લંબાઈ 44 ફૂટ છે. લગભગ 150 બાળકોએ મળીને 15 દિવસમાં આ રાખડી બનાવી છે. મીડિયા સાથે વાત કરતા શાળાના ડિરેક્ટર ચેતના ટાંકે જણાવ્યું હતું કે, “દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ થીમ સાથે રાખડી બનાવે છે. જૂની વસ્તુઓ જેવી કે જૂના કાગળ, અખબાર, દિવાલ કાગળ, દુપટ્ટા અને રંગીન કાગળ વગેરેને એકઠા કરીને આ રાખડી બનાવવામાં આવી છે. રાખડીનો આધાર બનાવવા માટે વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વાંસ અને દોરડાનો ઉપયોગ દોરા તરીકે કરવામાં આવ્યો છે. આમ વિદ્યાર્થીઓ દ્વારા મહારાષ્ટ્રની સૌથી મોટી રાખડી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે શાળાનો પ્રયાસ
લલિતા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ભારતની ઓળખના નામે આ રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી ભવ્ય ભારત, એક નવી ઉડાનની વિભાવના સાથે બનાવવામાં આવી છે. આ રાખડી દ્વારા મહિલા સશક્તિકરણ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળાના પ્રશાસને જણાવ્યું છે કે, આ રાખડીનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.