તમારા રૂમનું AC પણ બની શકે છે જીવલેણ! AC ગેસ લીક થતા દિલ્હીમાં 4 યુવકોના કરુણ મોત

નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના આંબેડકર નગરના દક્ષિણપુરીમાં આવેલા એક ઘરમાંથી ચાર યુવકો મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ચારેય યુવકો એર કંડીશનર(AC) રિપેર કરવાનું કામ કરતાં હતાં. રૂમમાં એસીમાં ભરવામાં આવતા ગેસના સીલીન્ડર રાખવામાં આવ્યા હતાં, જેમાંથી ગેસ લીક થતા ગુંગળામણને કારણે તેમના મોત નિપજ્યાં હતાં.
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ ઇમરાન ઉર્ફે સલમાન (30), મોહસીન (20), હસીબ(25) અને કપિલ ઉર્ફે અંકિત રસ્તોગી (18) તરીકે થઈ છે. ચારેય યુવકો ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી હતા અને દિલ્હીમાં એસી રિપેરીંગનું કામ કરતા હતા. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એસીમાં ભરવામાં આવતો ગેસ લીક થવાને કારણે તેમના મોત થયા છે.
ઇમરાન દિલ્હીના દક્ષિણપુરીમાં ભાડાના રૂમમાં રહેતો હતો. ઇમરાન બાકીના ત્રણેયને કામ શીખવા માટે દિલ્હી બોલાવ્યા હતાં. દિવસ દરમિયાન કામ કર્યા બાદ ચારેય, રાત્રે એક જ રૂમમાં સૂઈ ગયા હતાં અને એસી રીપેરીંગ માટેનો સામાન પણ રૂમમાં જ રાખ્યો હતો, રાત દરમિયાન ગેસ લીક થયો હતો.
સલમાન અને મોહસીનના પરિવારજનોએ તેમને વારંવાર ફોન કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જોયું કે ઘર અંદરથી બંધ હતું. જ્યારે પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ચારેય યુવાનો પહેલા માળે બેભાન અવસ્થામાં પડ્યા હતા અને અજીબ પ્રકારની ગંધ આવી રહી હતી. ચારેયને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં હાજર ડોકટરે ત્રણને મૃત જાહેર કર્યા હતાં, જ્યારે ચોથા યુવાન હસીબનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રવિવારે સંબંધીઓ આવ્યા બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
એસીમાં બની શકે છે જીવલેણ?
આ ઘટનાને કારણે એસીની સલામતી અંગે સવાલો ઉભા થયા છે, શીતલ હવા આપતું એસી જોવલેણ પણ બની શકે છે? સામાન્ય રીતે R-32, R-410A અથવા R-22 જેવા HFC (હાઇડ્રોફ્લોરોકાર્બન) ગેસ ભરવામાં આવે છે. જો કે આ ગેસ એટલા ઝેરી નથી હોતા, પરંતુ જો બંધ રૂમમાં મોટી માત્રામાં ગેસ લીક થાય છે, તો ગૂંગળામણનું કારણ બની શકે છે.