નવી દિલ્હી: દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(IIT)માં એડમીશન લેવા માટે લાખો વિદ્યાર્થીઓ દિવસરાત એક કરી મહેનત કરે છે, કેમ કે આ IITમાં અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ(Campus Placement) માં ઉચ્ચ પગાર નોકરી લગભગ નક્કી માનવામાં આવે છે. પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી IITમાં પ્લેસમેન્ટ ઘટી રહ્યું છે. IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંઘ દ્વારા દાખલ કરાયેલ RTI અરજીના જવાબમાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ વર્ષે અત્યાર સુધી 23 IIT માં લગભગ 38 ટકા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થયા નથી.
આ પણ વાંચો: જો રામ કા નહીં કિસ કામ કા નહીં…. ધોની માટે આવું કેમ બોલી રહ્યા છે લોકો?
અખબારી અહેવાલમાં ધીરજ સિંઘને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે 23 IITમાં 7,000 થી વધુ વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું નથી. બે વર્ષ પહેલાં, આ અનપ્લેસ્ડ વિદ્યાર્થીઓની સંખ્યા 3,400 હતી, મતલબ કે આ વર્ષ કરતા અડધી હતી. જ્યારે પ્લેસમેન્ટમાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1.2 ગણી વધી છે, ત્યારે બે વર્ષમાં અનપ્લેસ વિદ્યાર્થીઓની સંખ્યા 2.3 ગણી થઈ ગઈ છે.”
IIT-દિલ્હીમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્લેસમેન્ટ સત્ર તેના અંત નજીક હોવા છતાં 400 વિદ્યાર્થીઓને હજુ પ્લેસમેન્ટ મળ્યું નથી. જેને કારણે સંસ્થાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્ક(alumni network)નો સંપર્ક કર્યો છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સંસ્થા સાથે જોડાયેલા હોય તેમાં હાલના વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો પૂરી પાડવા માટે મદદની માંગ કરી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના જુનિયરોને ટેકો આપવા રેફરલ્સ, ભલામણો અને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવાની અપીલ કરવામાં આવી છે.
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી એન્ડ સાયન્સ સૌપ્રથમ બે મહિના પહેલાં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી, અને તે જ રીતે અન્ય ઘણી સંસ્થાઓ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો છે.