બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ નામો હટાવાશે! ચૂંટણી પંચે કર્યો ચોંકાવનારો ખુલાસો

પટના: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદીના વિશેષ ગહન પુનઃનિરીક્ષણ (SIR)નું અભિયાન શરૂ કર્યું છે. આ પ્રક્રિયામાં 35 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
35 લાખ નામ હટાવવાનો નિર્ણય
ચૂંટણી પંચે 14 જુલાઈએ જણાવ્યું કે, બિહારના 7.89 કરોડ મતદારોમાંથી 83.66% એટલે કે 6.60 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ જમા કર્યા છે. આમાં 12.55 લાખ મતદારો મૃત્યુ પામેલા, 17.37 લાખ સ્થળાંતરિત થયેલા અને 5.76 લાખના નામ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી કુલ 35.69 લાખ નામ યાદીમાંથી હટાવવામાં આવશે. આ આંકડો હજુ વધી શકવાની શક્યતા છે, કારણ કે ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 25 જુલાઈ છે.
ફોર્મ અપલોડ અને બાકી મતદારો
રાજ્યમાંથી અત્યાર સુધી 5.74 કરોડ ફોર્મ ECI-NET પ્લેટફોર્મ પર અપલોડ થયા છે, જે ચૂંટણી પંચે તાજેતરમાં લોન્ચ કરેલું છે. હજુ 11.82% મતદારોના ફોર્મ બાકી છે, જેમણે 25 જુલાઈ સુધીમાં દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરવાના છે. ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે કે, કોઈ યોગ્ય મતદાર ન છૂટે તે માટે ત્રીજા રાઉન્ડની ઘરે-ઘરે મુલાકાત શરૂ થશે.
વ્યાપક સુવિધાઓ અને સંપર્ક
ચૂંટણી પંચે 78,000 બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને 1.5 લાખ બૂથ લેવલ એજન્ટ્સની મદદથી આ અભિયાનને ઝડપી બનાવ્યું છે. શહેરી વિસ્તારોમાં 5683 વોર્ડમાં ખાસ શિબિરો યોજાઈ રહી છે. બિહારથી બહાર રહેતા મતદારો માટે ECI-NET એપ અથવા https://voters.eci.gov.in દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ વોટ્સએપ કે અન્ય ડિજિટલ માધ્યમથી BLOને મોકલી શકાય છે.
વિવાદો અને પડકારો
આ પ્રક્રિયા પર વિરોધ પક્ષ અને સુપ્રિમ કોર્ટે પણ સવાલ ઉઠાવ્યા હતા. વિરોધ પક્ષે દાવો કર્યો છે કે લાખો મતદારોના નામ કપાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે પણ આ પ્રક્રિયાના સમય અને દસ્તાવેજોની માંગણી પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં આધાર, રેશનકાર્ડ અને વોટર આઈડીને સ્વીકારવાની સલાહ આપી છે.
આ પણ વાંચો….બિહાર મતદાર યાદીમાં નેપાળી-બાંગ્લાદેશી ઘૂસણખોરો નામઃ ચૂંટણી પંચ એક્શનમાં!