ચંદીગઢ ADGP આપઘાત કેસ: પત્નીને મળી 3 સ્યુસાઈડ નોટ, સિનિયર IPS-IAS અધિકારીઓના નામ આવ્યા બહાર | મુંબઈ સમાચાર
નેશનલ

ચંદીગઢ ADGP આપઘાત કેસ: પત્નીને મળી 3 સ્યુસાઈડ નોટ, સિનિયર IPS-IAS અધિકારીઓના નામ આવ્યા બહાર

ચંદીગઢ: હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા ADGP વાય એસ પૂરનની આત્મહત્યાએ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે. ચંદીગઢના સેક્ટર અગિયારમાં ADGP વાય એસ પૂરને એવા સમયે આત્મહત્યા કરી હતી, જ્યારે તેમના ઘરે તેમની પત્ની અને દીકરી પૈકી કોઈ હાજર નહોતું.

ઘટનાસ્થળે પહોંચેલી હરિયાણા પોલીસને પણ કોઈ સ્યુસાઈડ નોટ મળી નહતી, જેથી આ કેસ વધારે જટિલ બન્યો હતો. પરંતુ વાય એસ પૂરનની પત્નીના ઘરે આવ્યા બાદ અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.

આપણ વાંચો: માથે દેવુ અને નોકરી ગુમાવવાને કારણે યુવકે કરી આત્મહત્યા

પત્નીને મળી ત્રણ સ્યુસાઈડ નોટ

ADGP વાય એસ પૂરને જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમની આઈએએસ અધિકારી પત્ની અવનીત પી. કુમાર હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈની સાથે વિદેશ પ્રવાસે ગયા હતા. વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેઓને અલમારીમાંથી લેપટોપ બેગ મળ્યું હતું.

જેમાંથી સ્યુસાઈડ નોટની કોપી મળી હતી. આ નોટ લેપટોપમાં પણ ટાઈપ કરેલી હતી. આ અંગે અવનીપ પી. કુમારે પોલીસને પત્ર લખીને જાણ કરી છે.

પોલીસને લખેલા પત્રમાં અવનીત પી. કુમારે આગળ જણાવ્યું કે, “આત્મહત્યાના થોડા કલાકો પહેલા પુરણકુમારે તેઓને નવ પાનાની નોટ અને વસિયતનામું મોકલ્યું હતું.આ બંને વસ્તુ જોઈને હું ગભરાઈ ગઈ હતી. મેં તેમને સતત 15 કોલ કર્યા હતા, પરંતુ પૂરન કુમાર તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો.

આપણ વાંચો: હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટઃ આઈપીએસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા

તેથી મેં મારી દીકરી અમૂલ્યાને ફોન કરીને ઘરે જઈ તેના પપ્પા સાથે વાત કરવા કહ્યું હતું. જ્યારે દીકરી અમૂલ્યા ઘરે પહોંચી ત્યારે બેઝમેન્ટ અંદરથી બંધ હતું. જ્યારે બેસમેન્ટ દરવાજો તોડીને અંદર જોયું તો પૂરન કુમાર સોફા પર પડેલા હતા અને તેમના માથામાંથી લોહીં વહીં રહ્યું હતું.”

વાય એસ પૂરનના ઘરે રસોઈ બનાવતા કૂક પ્રેમ સિંહે પોલીસને જણાવ્યું હતું કે સવારે લગભગ 10 વાગ્યે સરે કહ્યું હતું કે, હું બેઝમેન્ટમાં જઈ રહ્યો છું. આજે તેમને ડિસ્ટર્બ ન કરવામાં આવે. હું આજે શ્વાનને ફરાવા પણ નહીં લઈ જાઉં.

” કૂક પ્રેમ સિંહે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, “લગભગ 11 વાગ્યે તેઓ થોડા સમય માટે ઉપર આવ્યા હતા, ખાવાનું મંગાવ્યું અને ફરીથી નીચે ચાલ્યા ગયા. ત્યારબાદ તેમનો કોઈ અવાજ સંભળાયો નહીં.”

આપણ વાંચો: કલ્યાણપુરના પિતાએ ૫ વર્ષની પુત્રી અને ૩ વર્ષના પુત્રને ઝેર પીવડાવી આત્મહત્યા કરી; કારણ હતું….

સ્યુસાઈડ નોટમાં મોટા અધિકારીઓના નામ

વાય એસ પૂરન કુમારે પોતાની સ્યૂસાઈડ નોટમાં ઘણા સિનિયર અધિકારીઓના નામ લખ્યા છે. જેમાં મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી, પૂર્વ મુખ્ય સચિવ ટી. વી. એસ. એન. પ્રસાદ, પૂર્વ ડીજીપી મનોજ યાદવ, રાજીવ અરોરા અને અન્ય નામોનો સમાવેશ થાય છે.

સુસાઈડ નોટમાં વાય એસ પૂરન કુમારે લખ્યું છે કે, મારા બેચમેટ મનોજ યાદવ, પી.કે. અગ્રવાલ અને ટી.વી.એસ.એન. પ્રસાદે મારી જાતિગત સતામણી કરી છેય મેં ગૃહ પ્રધાન અને મુખ્ય સચિવને લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં.

આઈપીએસ કુલવિંદર સિંહે મને ફોન પર ચેતવણી આપી હતી કે, ડીજીપીએ આદેશ આપ્યો છે કે મને સ્થાયી રૂપે હટાવવામાં આવશે, સમજી જજે. આ સિવાય આઈપીએસ માટા રવિ કિરણે મારી પ્રત્યે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મારી આત્મહત્યાનું મુખ્ય કારણ છે.

વાય એસ પૂરન કુમારે સુસાઈડ નોટના છેલ્લા પાનામાં લખ્યું કે, હવે હું વધારે સહન નહીં કરી શકું. જે લોકો મને આ પરિસ્થિતિમાં લાવ્યા છે, તેઓ મારા મૃત્યુ માટે જવાબદાર છે.

આપણ વાંચો: આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત

સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખીત લોકોની ધરપકડની માંગ

પતિ વાય એસ પૂરણ કુમારની સ્યુસાઈડ નોટના આધારે પત્ની અવનીત પી. કુમારે ડીજીપી શત્રુજીત સિંહ અને રોહતક એસપી નરેન્દ્ર બિજરનિયા પર સીધા આરોપ લગાવ્યા છે. તેમણે બંને અધિકારીઓ વિરૂદ્ધ એસસી-એસટી એક્ટ અને કલમ 108 હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે.

જ્યાં સુધી વાય એસ પૂરણ કુમારની આત્મહત્યા માટેના જવાબદાર લોકોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમનીત કુમારે તેમનું પોસ્ટમોર્ટમ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. હવે આ કેસ હરિયાણા પોલીસ, ગૃહ મંત્રાલય અને એસસી-એસટી આયોગની દેખરેખ હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈનીએ આજે સ્વર્ગસ્થ આઈપીએસ અધિકારી વાય એસ પૂરણ કુમારની પત્ની આઈએએસ અવનીત પી. કુમારને મળવા સેક્ટર 11 ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પત્ની અને પરિજનો સાથેની મુલાકાત બાદ મુખ્ય પ્રધાને તેઓને ન્યાય અપાવવાની બાંયધરી આપી હતી.

સાથોસાથ આ કેસની પારદર્શિતા સાથે નિષ્પક્ષ તપાસ થશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. આ કેસને લઈને રાજ્ય સરકાર એસઆઈટીની રચના કરવાનું વિચારી રહીં છે, એવું સૂત્રો જણાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button