UP, MP અને બિહારના વિભાજનને 25 વર્ષ પૂર્ણ, જાણો ત્રણ નવા રાજ્યોની વિકાસ યાત્રામાં કોણ આગળ રહ્યું?

નવી દિલ્હી: વહીવટી સરળતા અને પ્રાદેશિક અસમાનતા દૂક કરવા માટે આજથી 25 વર્ષ પહેલા ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ એમ ત્રણ નવા રાજ્યોને અસ્તીત્વમાં લાવવામાં આવ્યા હતા. આ ત્રણ રાજ્યો અસ્તીત્વમાં આવ્યા બાદ સરકાર સામે મોટો પડકાર હતો કે શું નાના રાજ્યોનો વિકાસ વધુસારી અને ઝડપી ગતિ પકડી શકશે?
આજે આ ત્રણે રાજ્યોની સ્થાપનાને આજે 25 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આજે આપણે જાણીશું કે 25 વર્ષ વીતી ગયા પછી, મૂળ રાજ્યો (ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ) અને નવા રાજ્યોએ વિકાસના મોરચે કેવું પ્રદર્શન કર્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે ત્રણેય જોડીની વિકાસની વાર્તાઓ એકબીજાથી તદ્દન અલગ છે.
ઉત્તર પ્રદેશ vs ઉત્તરાખંડ: પહાડી રાજ્યે પકડી તેજ ગતિ
નવા રચાયેલા રાજ્યોમાં, ઉત્તરાખંડની વિકાસ ગાથા સૌથી સફળ ગણી શકાય. વિભાજન પછી ઉત્તરાખંડે આર્થિક પ્રગતિના મામલે ઉત્તર પ્રદેશને પાછળ છોડી દીધું છે. જ્યારે વિભાજન સમયે કુલ સંયુક્ત જીડીપીમાં ઉત્તરાખંડનો હિસ્સો માત્ર 7% હતો, તે આજે બમણો થઈને 14% થઈ ગયો છે, જ્યારે ઉત્તર પ્રદેશનો હિસ્સો 93% થી ઘટીને 86% થયો છે. આ જ રીતે, માથાદીઠ આવકના મામલે પણ ઉત્તરાખંડે મોટી છલાંગ લગાવી છે. વર્ષ 2005 માં માથાદીઠ આવક રૂપિયા 24,726 હતી, જે 2024 માં 10.5 ગણી વધીને ₹ 2.6 લાખ સુધી પહોંચી ગઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અનુસાર, આ જ સમયગાળામાં ઉત્તર પ્રદેશની માથાદીઠ આવક 7.2 ગણી વધીને ₹ 93,514 થઈ છે.
બિહાર vs ઝારખંડ: અપેક્ષાથી વિપરીત પરિણામ
ઝારખંડનો મામલો ઉત્તરાખંડ કરતા વિપરીત ચિત્ર રજૂ કરે છે. સંયુક્ત નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં ઝારખંડનો હિસ્સો ઘટ્યો છે. નાણાકીય વર્ષ 2000 માં ઝારખંડનો હિસ્સો કુલ જીએસડીપીમાં 41 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2025 સુધીમાં ઘટીને માત્ર 32 ટકા જ રહ્યો છે. તેની સામે, બિહારનો હિસ્સો આ જ સમયગાળામાં 59 ટકાથી વધીને 68 ટકા થયો છે. માથાદીઠ આવકના સંદર્ભમાં પણ, બિહારની આવક 2005 માં રૂપિયા 7,914 થી 7.6 ગણી વધીને રૂપિયા 60,337 થઈ છે, જ્યારે ઝારખંડની આવક ₹ 18,510 થી 5.7 ગણી વધીને ₹ 1.05 લાખ સુધી પહોંચી છે, જે દર્શાવે છે કે ઝારખંડની વૃદ્ધિની ગતિ ધીમી રહી છે.
મધ્ય પ્રદેશ vs છત્તીસગઢ: સમાન ગતિએ વધતી વિકાસયાત્રા
ઉત્તરાખંડ અને ઝારખંડથી વિપરીત, છત્તીસગઢની વિકાસની વાર્તા અલગ છે. છત્તીસગઢ અને તેના મૂળ રાજ્ય મધ્ય પ્રદેશ વચ્ચે વિકાસમાં વધારે અંતર જોવા મળ્યું નથી, અને બંને રાજ્યોએ લગભગ સાથે-સાથે પ્રગતિ કરી છે. નાણાકીય વર્ષ 2000 માં સંયુક્ત જીએસડીપીમાં છત્તીસગઢનો હિસ્સો 25 ટકા હતો અને મધ્ય પ્રદેશનો 75 ટકા હતો. નાણાકીય વર્ષ 2025 માં, છત્તીસગઢનો હિસ્સો વધીને 27 ટકા થયો છે જ્યારે મધ્ય પ્રદેશનો 73 ટકા રહ્યો છે. માથાદીઠ આવકમાં પણ સમાન વૃદ્ધિ જોવા મળી છે. છત્તીસગઢની માથાદીઠ આવક 2005 માં ₹ 18,599 થી 8 ગણી વધીને ₹ 1.47 લાખ થઈ છે, જ્યારે મધ્ય પ્રદેશની આવક 9 ગણી વધીને ₹ 15,442 થી ₹ 1.43 લાખ થઈ છે. આ તમામ રાજ્યો હવે “બિમારુ” જેવા ગણાતા નથી અને વિકાસના નવા કેન્દ્ર બની રહ્યા છે.



